ફિફા વર્લ્ડ કપમાં મોટો અપસેટ: ઓસ્ટ્રેલિયાએ તુર્કિયેને 2-0થી હરાવ્યું, યુવા ખેલાડીઓ બન્યા જીતના હીરો



ફિફા વર્લ્ડ કપમાં મોટો અપસેટ: ઓસ્ટ્રેલિયાએ તુર્કિયેને 2-0થી હરાવ્યું, યુવા ખેલાડીઓ બન્યા જીતના હીરો



વૅન્કુવર: ફિફા વર્લ્ડ કપ 2026માં રવિવારે એક મોટો અપસેટ જોવા મળ્યો હતો. ગ્રુપ-ડીની મહત્વપૂર્ણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર રમતના જોરે તુર્કિયેને 2-0થી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં જીત સાથે આગાજ કર્યો હતો. વૅન્કુવરના BC પ્લેસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડીઓએ યાદગાર પ્રદર્શન કર્યું હતું.
મેચની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયન ટીમ આક્રમક મૂડમાં જોવા મળી હતી. સતત હુમલાઓ વચ્ચે 27મી મિનિટે ટીમને પ્રથમ સફળતા મળી હતી. પૉલ ઓ'કોન-એંગસ્ટલરે આપેલા શાનદાર પાસને નેસ્ટોરી ઇરાનકુન્ડાએ ગોલમાં ફેરવી ઓસ્ટ્રેલિયાને 1-0ની લીડ અપાવી હતી. આ સાથે માત્ર 20 વર્ષની ઉંમરે ઇરાનકુન્ડા ફિફા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
ગોલ બાદ તુર્કિયેએ બરાબરી માટે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી રહેલા ગોલકીપર પેટ્રિક બીચએ અદ્ભુત બચાવ કરીને ટીમની લીડ જાળવી રાખી હતી. પ્રથમ હાફના અંતે ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ રહ્યું હતું.
બીજા હાફમાં પણ ઓસ્ટ્રેલિયાએ પોતાનું દબદબું જાળવી રાખ્યું હતું. 56મી મિનિટે તુર્કિયેના સ્ટાર ખેલાડી અર્દા ગુલેરને ગોલ કરવાની સુવર્ણ તક મળી હતી, પરંતુ પેટ્રિક બીચે શાનદાર ડાઇવ મારી બોલને ગોલપોસ્ટમાં જતા અટકાવી દીધો હતો.
મેચની 75મી મિનિટે કોનર મેટકાફએ ગોલ ફટકારી ઓસ્ટ્રેલિયાની લીડ 2-0 કરી દીધી હતી. આ ગોલ બાદ તુર્કિયે માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ બની ગઈ હતી.
અંત સુધી તુર્કિયે ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી અને ઓસ્ટ્રેલિયાએ 2-0થી શાનદાર જીત નોંધાવી હતી. નોંધનીય છે કે 2006 બાદ ફિફા વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ જીત છે.




