ભારત માટે મોટી જાહેરાત! એમેઝોન કરશે 48 અબજ ડોલરનું રોકાણ



ભારત માટે મોટી જાહેરાત! એમેઝોન કરશે 48 અબજ ડોલરનું રોકાણ



નવી દિલ્હી અમેરિકાની ઈ-કોમર્સ દિગ્ગજ કંપની એમેઝોનના CEO એન્ડી જેસીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત પ્રત્યે કંપનીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા ફરીથી દોહરાવી અને આગામી વર્ષોમાં મોટા રોકાણની જાહેરાત કરી છે.
એન્ડી જેસીએ જણાવ્યું કે એમેઝોન 2030 સુધી ભારતમાં કુલ 48 અબજ ડોલરનું વધારાનું રોકાણ કરશે, જેમાંથી 21 અબજ ડોલરથી વધુ રકમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ખર્ચાશે.
તેમના જણાવ્યા મુજબ કંપની ભારતના ડિજિટલ ઇકોનોમીને મજબૂત બનાવવા, નાના વેપારીઓને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવા અને રોજગાર સર્જન પર ખાસ ધ્યાન આપશે. એમેઝોનનું લક્ષ્ય 2030 સુધીમાં 38 લાખ નોકરીઓ સર્જવામાં સહાય કરવાનો પણ છે.
આ ઉપરાંત કંપની 80 અબજ ડોલરના ઈ-કોમર્સ એક્સપોર્ટને સપોર્ટ કરશે અને 1.5 કરોડથી વધુ નાના વ્યવસાયો તેમજ 40 લાખ વિદ્યાર્થીઓ સુધી AIના લાભ પહોંચાડવાની યોજના ધરાવે છે.
એમેઝોન વેબ સર્વિસીસ (AWS) હેઠળ મુંબઈ અને હૈદરાબાદમાં ડેટા સેન્ટર નેટવર્કનો વિસ્તરણ કરવામાં આવશે, જેના કારણે સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને સરકારી સંસ્થાઓને અદ્યતન AI અને ક્લાઉડ ટેક્નોલોજીનો વધુ સારો લાભ મળશે.
કંપનીએ જણાવ્યું કે 2010થી 2030 સુધી ભારતમાં કુલ રોકાણ 88 અબજ ડોલરથી વધુ થઈ જશે. સાથે જ દેશમાં નવા ફુલફિલમેન્ટ સેન્ટર અને લાસ્ટ-માઇલ ડિલિવરી સ્ટેશનો પણ શરૂ કરવામાં આવશે, જેથી ટિયર-3 અને ટિયર-4 શહેરોમાં ઝડપી ડિલિવરી શક્ય બને.
એમેઝોન દ્વારા ડિલિવરી કર્મચારીઓ માટે ‘સમ્માન’ નામની નવી વેલફેર યોજના પણ શરૂ કરવામાં આવશે.
એન્ડી જેસીએ પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થાઓમાંનું એક છે અને એમેઝોન આ યાત્રાનો લાંબા ગાળાનો ભાગ બનવા માટે પ્રતિબદ્ધ છે.




