અમરનાથ યાત્રા: ચાર દિવસમાં 85 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન



અમરનાથ યાત્રા: ચાર દિવસમાં 85 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન



Amarnath Yatra: અમરનાથ યાત્રા શરૂ થયાના માત્ર ચાર દિવસમાં જ 85,779થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા છે. સોમવારે એક જ દિવસે 28,818 શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. પ્રશાસનના જણાવ્યા મુજબ યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ભારે ઉત્સાહ સાથે આગળ વધી રહી છે. સોમવારે દિવસભર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ખરાબ હવામાન છતાં શ્રદ્ધાળુઓ બાલટાલ અને પહેલગામ એમ બંને માર્ગો પરથી 3,880 મીટરની ઊંચાઈએ આવેલા પવિત્ર ગુફા મંદિર સુધી પહોંચ્યા અને બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.
દર્શન પૂર્ણ કર્યા બાદ સોમવાર સાંજે યાત્રાળુઓ સુરક્ષિત રીતે બાલટાલ બેઝ કેમ્પ પર પરત ફર્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ દક્ષિણ કાશ્મીરના પહેલગામ સ્થિત નુનવાન બેઝ કેમ્પ સુધી પરત ફરવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. તેથી પહેલગામ માર્ગે આવેલા મોટા ભાગના યાત્રાળુઓ દર્શન બાદ પરત ફરવા માટે બાલટાલ માર્ગને વધુ પસંદ કરી રહ્યા છે. કારણ કે, આ માર્ગથી તેઓ એ જ દિવસે બેઝ કેમ્પ સુધી પહોંચી શકે છે.
યાત્રા માર્ગ પર હાલ ભારે ભીડ જોવા મળી રહી છે. બેઝ કેમ્પો અને વિવિધ પડાવોમાં દેશભરમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓની અવરજવર યથાવત છે. દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ બાલટાલ અને નુનવાન બેઝ કેમ્પ પહોંચી રહ્યા છે, જેના કારણે સમગ્ર યાત્રાધામ વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાયો છે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે પ્રશાસને વ્યાપક વ્યવસ્થાઓ ઉભી કરી છે. બંને બેઝ કેમ્પ અને યાત્રા માર્ગ પરના તમામ પડાવોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્થળે-સ્થળે લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત બાલટાલ, નુનવાન અને પવિત્ર ગુફા સુધી હજારો ટેન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે, જેથી યાત્રાળુઓને રહેવામાં કોઈ મુશ્કેલી ન પડે.
પ્રશાસન જાહેર સંબોધન પ્રણાલી (Public Address System) દ્વારા બેઝ કેમ્પોમાં હવામાનની પૂર્વ માહિતી પણ આપી રહ્યું છે. જેથી યાત્રાળુઓ હવામાનને ધ્યાનમાં રાખીને યાત્રાનું આયોજન કરી શકે.
પહેલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી લઈને પવિત્ર ગુફા સુધી ચાર સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઊંચાઈવાળા વિસ્તારો અને યાત્રા માર્ગો પર સેના તૈનાત છે, જ્યારે બેઝ કેમ્પોની સુરક્ષાની જવાબદારી CRPF સંભાળી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થામાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
પ્રશાસને યાત્રાળુઓને અપીલ કરી છે કે, તેઓ માત્ર પોતાની નોંધણી તારીખ મુજબ જ યાત્રા કરે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને નોંધણી વગરના અથવા નિર્ધારિત તારીખ પહેલાં પહોંચનારા યાત્રાળુઓને બંને બેઝ કેમ્પ તરફ આગળ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ દરમિયાન જમ્મુમાં પણ યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓ દરરોજ જમ્મુ પહોંચી રહ્યા છે. મંગળવારે સવારે તવી રિવરફ્રન્ટ, રામ મંદિર, જૂની મંડી અને ગીતા ભવન ખાતે આવેલા નોંધણી અને ટોકન કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી હતી. જોકે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે નોંધણી વગર કોઈ પણ શ્રદ્ધાળુને અમરનાથ યાત્રા માટે આગળ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.




