અમરનાથ યાત્રાનો ભવ્ય પ્રારંભ, અમિત શાહ-જે.પી. નડ્ડા સહિત ભાજપના નેતાઓએ પાઠવી શુભકામનાઓ



અમરનાથ યાત્રાનો ભવ્ય પ્રારંભ, અમિત શાહ-જે.પી. નડ્ડા સહિત ભાજપના નેતાઓએ પાઠવી શુભકામનાઓ



નવી દિલ્હી દેશની સૌથી પવિત્ર તીર્થયાત્રાઓમાંની એક એવી અમરનાથ યાત્રાનો ગુરુવારે ભવ્ય પ્રારંભ થયો છે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ દેશભરના શિવભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ નેતાઓએ બાબા બર્ફાનીના આશીર્વાદથી યાત્રા સુરક્ષિત, સુખદ અને મંગલમય બને તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ આ યાત્રાને સનાતન સંસ્કૃતિ, અડગ આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનું દિવ્ય પ્રતિક ગણાવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું કે, અમરનાથ યાત્રા સનાતન સંસ્કૃતિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, અડગ ધૈર્ય અને ક્યારેય હાર ન માનવાની ભાવનાનું પવિત્ર પ્રતિક છે. તેમણે જણાવ્યું કે મોદી સરકારે સમગ્ર યાત્રા માર્ગ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ક્યૂઆર કોડ આધારિત નોંધણી, યાત્રિકોના રહેવા-જમવાની સુવિધા, આરોગ્ય સેવાઓ અને આપત્તિ વ્યવસ્થાપનની મજબૂત તૈયારીઓ કરવામાં આવી છે, જેથી દરેક શ્રદ્ધાળુની યાત્રા સુરક્ષિત અને સુગમ બની રહે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અમરનાથ યાત્રાના પ્રારંભને શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો પવિત્ર પર્વ ગણાવતા તમામ યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે બાબા બર્ફાનીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી.
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, અમરનાથ યાત્રા સનાતન આસ્થાનું દિવ્ય અને અલૌકિક પ્રતિક છે. તેમણે બાબા બર્ફાનીના દર્શન માટે નીકળેલા તમામ શિવભક્તોની યાત્રા સુખદ, સુરક્ષિત અને મંગલમય રહે તેવી શુભેચ્છા પાઠવી.
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે અમરનાથ યાત્રા મહાદેવ પ્રત્યેની અતૂટ ભક્તિ, તપ અને શ્રદ્ધાનું પ્રતિક છે. આ યાત્રા કરોડો શ્રદ્ધાળુઓ માટે વિશેષ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. તેમણે પ્રાર્થના કરી કે બાબા બર્ફાની તમામ યાત્રિકોને સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને આનંદનો આશીર્વાદ આપે.
કેન્દ્રીય મંત્રી સતીશ ચંદ્ર દુબેએ પણ અમરનાથ યાત્રાના પાવન પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે ભગવાન ભોળેનાથની કૃપા તમામ યાત્રિકો પર બની રહે અને આ પવિત્ર યાત્રા સૌના જીવનમાં આધ્યાત્મિક ઊર્જા, શાંતિ અને કલ્યાણ લાવે.




