અમદાવાદમાં ₹28.94 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ, વટવા પોલીસ અને LCBની મોટી કાર્યવાહી



અમદાવાદમાં ₹28.94 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ, વટવા પોલીસ અને LCBની મોટી કાર્યવાહી



અમદાવાદ: અમદાવાદમાં નકલી ચલણના મોટા રેકેટનો પર્દાફાશ કરતાં વટવા પોલીસ અને LCB ઝોન-8ની ટીમે ₹28.94 લાખની નકલી ભારતીય ચલણી નોટો જપ્ત કરી છે. આ કેસમાં પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે તપાસ દરમિયાન નકલી ચલણ છાપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિન્ટર, લેપટોપ અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન-8ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વટવા વિસ્તારમાં થયેલા એક હત્યા કેસની તપાસ દરમિયાન નકલી ચલણ બનાવવાના ગેરકાયદે કારોબારનો ભાંડો ફૂટ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે મૃતક આરોપી ઇમરાન સાબીર સિંધા અને તેના સાગરિતો દ્વારા વટવા સ્થિત એક ફ્લેટમાં નકલી ચલણી નોટો છાપવાનું કામ કરવામાં આવતું હતું. આરોપીઓએ 16 માર્ચ, 2026થી આ ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ મળીને અંદાજે ₹60 લાખની નકલી ચલણી નોટો તૈયાર કરી હતી. જેમાંથી આશરે ₹30 લાખની નકલી અને અસલી ચલણી નોટો, પ્રિન્ટર અને લેપટોપ ઉત્તર પ્રદેશના આગ્રા તેમજ રાજસ્થાનના ધોલપુર ખાતે અલગ-અલગ સ્થળોએ છુપાવી રાખવામાં આવ્યા હતા.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને આ સ્થળોએ દરોડા પાડી નકલી ચલણનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં બનાસકાંઠાના રહેવાસી મેરાજભાઈ રબારીની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં છ આરોપીઓ અને એક કિશોરને કાયદાની જાળમાં લેવામાં આવ્યા છે.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આરોપીઓનો હેતુ બજારમાં નકલી ચલણ ફેલાવી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો હતો. હાલ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર નેટવર્ક તેમજ અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે, જ્યારે પોલીસે નાગરિકોને નકલી ચલણ અંગે સાવચેત રહેવા અને શંકાસ્પદ નોટો અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.




