અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે વિમાનો સામસામે આવ્યા



ફાઈલ ફોટો
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે વિમાનો સામસામે આવ્યા



ફાઈલ ફોટો
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર બુધવારે સાંજે મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. એર ઇન્ડિયાનું એક વિમાન લેન્ડિંગ બાદ પાર્કિંગ બે તરફ જતી વખતે ભૂલથી ખોટા ટેક્સીવે પર પહોંચી ગયું હતું, જેના કારણે ટેકઓફ માટે આગળ વધી રહેલા ઇન્ડિગોના વિમાન સાથે તે સામસામે આવી ગયું હતું.
મળતી માહિતી મુજબ, ઇન્ડિગોની અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ ટેકઓફ માટે ટેક્સીંગ કરી રહી હતી ત્યારે એર ઇન્ડિયાનું વિમાન પણ એ જ ટેક્સીવે પર આવી ગયું હતું. જોકે, બંને A320 વિમાનો સમયસર અટકી જતા આશરે 200 મીટરના સુરક્ષિત અંતરે રોકાઈ ગયા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 24 જૂને મુંબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટ AI2493 લેન્ડિંગ બાદ ટેક્સીંગ દરમિયાન અજાણતા ખોટો વળાંક લઈ બેઠી હતી. જોકે, મુસાફરો અને ક્રૂની સુરક્ષાને કોઈ જોખમ થયું નહોતું. બાદમાં વિમાનને ટો કરીને પાર્કિંગ બે સુધી લઈ જવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ નિયમનકારી સત્તાધીશોને કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, ઇન્ડિગોએ પણ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ 6E 5160ને થોડો વિલંબ થયો હતો. અન્ય એરલાઇનના વિમાને ખોટો વળાંક લેતા તેના માર્ગમાં અવરોધ સર્જાયો હતો. બંને વિમાનો સુરક્ષિત અંતરે રોકાઈ ગયા હતા અને બાદમાં અવરોધ દૂર થતાં ઇન્ડિગોની ફ્લાઇટ સુરક્ષિત રીતે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી.
ઘટના બાદ એરપોર્ટ અને નાગરિક ઉડ્ડયન સત્તાધીશો દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આ ઘટનાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી, પરંતુ એરપોર્ટ પર સુરક્ષા પ્રક્રિયાઓને લઈને ચર્ચા શરૂ થઈ છે.




