અમદાવાદની 149મી રથયાત્રા રહેશે હાઈટેક! પ્રથમવાર દરેક હાથી પર CCTV અને ડેસિબલ મીટર



ફાઈલ ફોટો
અમદાવાદની 149મી રથયાત્રા રહેશે હાઈટેક! પ્રથમવાર દરેક હાથી પર CCTV અને ડેસિબલ મીટર



ફાઈલ ફોટો
અમદાવાદ: 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તંત્રએ સુરક્ષા અને સુવિધાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આ વર્ષે પ્રથમવાર રથયાત્રામાં સામેલ તમામ હાથીઓ પર CCTV કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે. ગયા વર્ષની ઘટનામાંથી બોધપાઠ લઈને પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
13 કિલોમીટર રૂટનું અધિકારીઓએ કર્યું નિરીક્ષણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા રથયાત્રાના 13 કિલોમીટર લાંબા રૂટનું સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય અધિકારીઓએ ભગવાન જગન્નાથ મંદિરથી સરસપુર મંદિર સુધીની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. રૂટ પર આવેલા જોખમી મકાનોને પતરા લગાવીને સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.
પ્રથમવાર દરેક હાથી પર રહેશે CCTV અને ડેસિબલ મીટર
આ વર્ષે રથયાત્રાની સૌથી મોટી ખાસિયત એ છે કે યાત્રામાં સામેલ તમામ 18 હાથી પર પ્રથમવાર CCTV કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવશે. કેમેરાથી મળતા લાઈવ દૃશ્યો સીધા કંટ્રોલ રૂમ સુધી પહોંચશે, જેથી કોઈપણ અસામાન્ય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી શક્ય બને. સાથે જ ડેસિબલ મીટર દ્વારા હાથીઓની આસપાસના અવાજનું સ્તર પણ સતત માપવામાં આવશે.
ગયા વર્ષની ઘટનાથી લીધો બોધપાઠ
ગયા વર્ષે ખાડિયા વિસ્તારમાં ડીજે અને વધુ અવાજને કારણે એક હાથી ભડકી જતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે હાથીઓની સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે અને રૂટ પર અવાજના સ્તર પર ખાસ નિયંત્રણ રાખવામાં આવશે.
રથયાત્રા રૂટ પર વધારાયું પોલીસ પેટ્રોલિંગ
રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસે સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઇમ સહિતની વિવિધ ટીમોએ રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ અભિયાનને "કોમી એકતા યાત્રા" નામ આપવામાં આવ્યું છે.
અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ
પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમોથી ફેલાતી કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવાની અપીલ કરી છે. રથયાત્રા દરમિયાન ભીડ નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ-અલગ ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે.
ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન
રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, રસ્તાઓ પર લાઇટિંગ અને ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે હાથીઓ રૂટ પરથી પસાર થાય ત્યારે ડીજે અને ઊંચા અવાજના સાધનો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. સાંજે જમાલપુર ખાતે રથ પરત ફરશે ત્યારે મોટી સંખ્યામાં ઉમટનારા ભક્તોને ધ્યાનમાં રાખીને પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સુરક્ષિત અને શાંતિપૂર્ણ રથયાત્રા માટે તંત્ર સજ્જ
અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રયાસ છે કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા સંપૂર્ણ સુરક્ષા, શાંતિ અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય. હાઈટેક મોનિટરિંગ, સતત પોલીસ દેખરેખ અને સુવ્યવસ્થિત આયોજનથી લાખો શ્રદ્ધાળુઓને કોઈપણ મુશ્કેલી વિના ભગવાનના દર્શનનો લાભ મળે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.




