વર્લ્ડ હાઇ બ્લડ પ્રેશર ડે : ‘સાઈલેન્ટ કિલર’ સામે સાવધાન રહેવાની જરૂર



વર્લ્ડ હાઇ બ્લડ પ્રેશર ડે : ‘સાઈલેન્ટ કિલર’ સામે સાવધાન રહેવાની જરૂર



નવી દિલ્હી : 17 મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ ઉજવવામાં આવે છે. વધતું બ્લડ પ્રેશર આજના સમયમાં સૌથી મોટી જાહેર આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ભારતમાં દર વર્ષે આશરે 11 લાખ લોકો હાઈ બ્લડ પ્રેશરના કારણે જીવ ગુમાવે છે.
140/90થી વધુ BP એટલે ખતરની ઘંટી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર જો બ્લડ પ્રેશર સતત 140/90 mmHg અથવા તેથી વધુ રહે તો તે હાઈ બ્લડ પ્રેશર ગણાય છે. શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણ ન દેખાતા તેને ‘સાઈલેન્ટ કિલર’ તરીકે ઓળખવામાં આવે છે.
વધુ મીઠું અને જંક ફૂડ બની રહ્યા છે મોટું કારણ
ડૉક્ટરોના જણાવ્યા મુજબ દિવસમાં માત્ર 5 ગ્રામ મીઠું જ લેવુ જોઈએ. પરંતુ ફાસ્ટ ફૂડ, પેકેટબંધ નાસ્તા અને વધુ મસાલેદાર ખોરાકના કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી રહ્યું છે, જે BP વધારવાનું મુખ્ય કારણ છે.
તણાવ અને પ્રદૂષણ પણ વધારી રહ્યા છે બ્લડ પ્રેશર
લાંબા સમય સુધી બેસી રહેવાની ટેવ, વધતો માનસિક તણાવ અને પ્રદૂષિત હવા પણ બ્લડ પ્રેશર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ખાસ કરીને PM2.5 જેવા ઝેરી કણો રક્ત નળીઓને સંકોચી BP વધારતા હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે.
પરિવાર સાથે બદલવી પડશે જીવનશૈલી
વર્ષ 2026ની થીમ “Together Control Hypertension” રાખવામાં આવી છે. હાઈ BP સામેની લડાઈ માત્ર ડૉક્ટર સુધી સીમિત નથી. પરિવાર સાથે ઓછું મીઠું ખાવું, રોજ ચાલવું અને દવાઓ નિયમિત લેવી જરૂરી બની ગઈ છે.
સરકારની પહેલથી દર્દીઓને મળશે રાહત
ભારત સરકારની ‘ઈન્ડિયન હાઈપરટેન્શન કન્ટ્રોલ ઈનિશિયેટિવ’ હેઠળ દેશના 100થી વધુ જિલ્લાઓમાં સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત દવાઓ આપવામાં આવી રહી છે. સાથે જ મે મહિને ‘મે મેઝરમેન્ટ મન્થ’ તરીકે ઉજવી લોકોને BP ચેક કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
મેટ્રો સ્ટેશનથી હોસ્પિટલ સુધી ફ્રી BP ચેકઅપ
દિલ્હી-NCRમાં ખાસ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હી મેટ્રો સ્ટેશનો પર ખાસ કિયોસ્ક મારફતે લોકો મફતમાં BP ચેક કરાવી શકે છે. જ્યારે AIIMS, સફદરજંગ, મેક્સ અને સર્વોદય જેવી હોસ્પિટલોમાં મેગા સ્ક્રિનિંગ કેમ્પ યોજાઈ રહ્યા છે.




