બલુચિસ્તાનના ક્વેટામાં રેલવે ટ્રેક પાસે આત્મઘાતી હુમલો, 26 લોકોના મોત: 70 ઘાયલ



બલુચિસ્તાનના ક્વેટામાં રેલવે ટ્રેક પાસે આત્મઘાતી હુમલો, 26 લોકોના મોત: 70 ઘાયલ



ઇસ્લામાબાદ:પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં રવિવારે ચમન ફાટક નજીક રેલવે ટ્રેક પાસે આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં જાફર એક્સપ્રેસ ટ્રેન નિશાન બની હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ હુમલા સમયે ટ્રેન ક્વેટા કેન્ટ તરફ જઈ રહી હતી અને વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
વિસ્ફોટ બાદ રેલવે ટ્રેક પાસે આગ લાગી હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર બ્રિગેડ, પોલીસ, રેસ્ક્યુ ટીમો અને સુરક્ષા દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ વિસ્ફોટના કારણે નજીકની ઇમારતોના કાચ પણ તૂટી ગયા હતા, જ્યારે સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી છે.
હાલ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ તેને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.
બલુચિસ્તાન સરકારના ગૃહ મામલાના વિશેષ સહાયક બાબર યુસુફઝઈએ લોકોને ઘટનાસ્થળની આસપાસ ભીડ ન કરવા અપીલ કરી છે અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
જાફર એક્સપ્રેસ પાકિસ્તાન રેલવેની મહત્વની લાંબા અંતરની ટ્રેન છે, જે ક્વેટાને દેશના અનેક મોટા શહેરો સાથે જોડે છે.
આ ટ્રેન અગાઉ પણ અનેક વખત હુમલાઓનો નિશાન બની ચૂકી છે, જેમાં સુરક્ષા પરિસ્થિતિને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.




