બિહારના નાલંદામાં શીતલા માતા મંદિરે નાસભાગ: 8નાં મોત, અનેક ઘાયલ



બિહારના નાલંદામાં શીતલા માતા મંદિરે નાસભાગ: 8નાં મોત, અનેક ઘાયલ



નાલંદામાં શીતલા માતા મંદિરે નાસભાગ: 8નાં મોત, અનેક ઘાયલ; બેદરકારીના આક્ષેપો
બિહારના નાલંદા જિલ્લામાં ચૈત્ર માસના છેલ્લાં મંગળવારે શીતલા માતાના મંદિરે ભયાનક નાસભાગની ઘટના સર્જાઈ છે. વહેલી સવારથી દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા, ત્યારે અચાનક ભીડ બેકાબૂ બનતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર, ચૈત્ર મહિનાના છેલ્લાં મંગળવારે વિશેષ ધાર્મિક મહત્વ હોવાને કારણે મંદિરે ભારે ભીડ એકત્રિત થઈ હતી. મંદિર પરિસરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોવાને કારણે સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી. દર્શન માટે ઉતાવળમાં કેટલાક લોકો કતાર તોડી આગળ વધતા ધક્કામુક્કી શરૂ થઈ અને થોડી જ વારમાં નાસભાગ મચી ગઈ. લોકો એકબીજા પર પડતાં ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ ઘટના પાછળ પોલીસ અને વહીવટીતંત્રની બેદરકારી જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાસ કરીને તે સમયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ નાલંદાની મુલાકાતે હતા અને નાલંદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કારણે વહીવટીતંત્રનું ધ્યાન મુખ્યત્વે સુરક્ષા વ્યવસ્થામાં કેન્દ્રિત રહેતાં મંદિરે પૂરતી વ્યવસ્થા ન થઈ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવદળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ વ્યાપી ગયું છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેજ બની છે.




