મંદિર બહારના નાના વેપારીઓને મળ્યા સોનુ સૂદ, સામાન ખરીદવા અને ભાવતાલ ન કરવા કરી અપીલ



મંદિર બહારના નાના વેપારીઓને મળ્યા સોનુ સૂદ, સામાન ખરીદવા અને ભાવતાલ ન કરવા કરી અપીલ



બોલીવૂડ અભિનેતા સોનુ સુદ ફરી એકવાર પોતાના સામાજિક કાર્યને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે મહારાષ્ટ્રના સોલાપુર સ્થિત પ્રખ્યાત સિધ્ધેશ્વર મંદિરની બહાર નાના વેપારીઓ અને ફેરીયાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.
અભિનેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેઓ સિદ્ધેશ્વર મંદિરની બહાર ઉભા જોવા મળે છે. વીડિયોમાં તેઓ ભક્તો અને મુલાકાતીઓને અપીલ કરતા કહે છે કે જ્યારે પણ તેઓ મંદિરની મુલાકાતે આવે ત્યારે અહીં નાના વેપારીઓ પાસેથી સામાન જરૂર ખરીદે અને તેમની સાથે વધુ પડતો ભાવતાલ કરતાં નથી.
વીડિયો શેર કરતાં સોનુ સૂદે "હર હર મહાદેવ" લખ્યું હતું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો અભિનેતાના આ પ્રયાસની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
સિદ્ધેશ્વર મંદિર મહારાષ્ટ્રના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ધાર્મિક સ્થળોમાંનું એક ગણાય છે. આ મંદિર 12મી સદીના સંત અને સમાજ સુધારક સિધ્ધેશ્વર સાથે સંકળાયેલું છે. મંદિર સિદ્ધેશ્વર તળાવની વચ્ચે આવેલું હોવાથી તેની વિશેષ ઓળખ છે. મંદિર પરિસરમાં 68 શિવલિંગ સ્થાપિત હોવાનું માનવામાં આવે છે અને મકર સંક્રાંતિ દરમિયાન અહીં પ્રસિદ્ધ 'ગડ્ડા યાત્રા'નું પણ આયોજન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ અગાઉ પણ અનેક સામાજિક કાર્યો માટે જાણીતા રહ્યા છે. મહત્વનું છે કોવિડ-19 મહામારી દરમિયાન તેમણે હજારો પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડી હતી. તેમના માનવતાવાદી કાર્યો માટે તેમને અનેક સન્માનો પણ પ્રાપ્ત થયા છે. હવે નાના વેપારીઓને સમર્થન આપતી તેમની આ પહેલને પણ લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.




