પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને મળી જાનથી મારી નાખવાની ધમકી



પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને મળી જાનથી મારી નાખવાની ધમકી



કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ઝાલમુડી' (એક પ્રકારની ભેળ) ખવડાવનાર દુકાનદાર વિક્રમ સાહુને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દુકાનદારે દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક દિવસોથી તેને પાકિસ્તાન અને બાંગ્લાદેશથી રોજ ધમકીભર્યા ફોન કોલ્સ આવી રહ્યા છે.
પીએમ મોદીને ઝાલમુડી ખવડાવ્યા બાદ વિક્રમ સાહુ રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયો હતો. વિક્રમ સાહુ અને પીએમ મોદી વચ્ચે થયેલી વાતચીત સમગ્ર ચૂંટણી દરમિયાન ચર્ચાનો વિષય બની હતી. જો કે, રાતોરાત મળેલી આ પ્રસિદ્ધિ હવે તેના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ છે.
દુકાનદાર વિક્રમ સાહુએ જણાવ્યું કે, તે પોતાના અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત છે, કારણ કે તેને ડર છે કે ફોન કરનારાઓ તેની વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી શકે છે.
મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં વિક્રમ સાહુએ કહ્યું, "મને પાકિસ્તાનથી વીડિયો અને ફોન કોલ્સ દ્વારા વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેઓ મને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે."
તેણે વધુમાં જણાવ્યું કે, "જે લોકો મને વીડિયો કોલ કરી રહ્યા છે, તેઓ મને ડરાવવા માટે ડરામણા ઈશારા કરે છે અને હથિયારો પણ બતાવે છે. તેમણે મને ચેતવણી આપી છે કે આના ગંભીર પરિણામો ભોગવવા પડશે."
વિક્રમે જણાવ્યું કે તેણે ઘણા કોલ્સ રિસીવ ન કર્યા હોવા છતાં ફોનની રિંગ વાગતી બંધ થતી નથી. ફોન કરનારાઓ તેને ગાળો આપી રહ્યા છે અને અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. બાંગ્લાદેશથી પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આવી રહી છે, જે તેને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મને પૂછે છે કે, 'તું જીવતો છે કે મરી ગયો?'
તેણે જણાવ્યું કે, "મને વોટ્સએપ પર પણ મેસેજ મળ્યા છે, જેમાં લખ્યું છે કે તને બોમ્બ બ્લાસ્ટમાં મારી નાખવામાં આવશે." વિક્રમના જણાવ્યા અનુસાર, ધમકી આપનારાઓએ પીએમ મોદી સાથેના તેના જોડાણ અંગે સીધું કંઈ નથી કહ્યું, પરંતુ આ ધમકીઓ ત્યારથી જ આવવાની શરૂ થઈ છે જ્યારે પીએમ મોદી તેની દુકાને રોકાયા હતા અને ઝાલમુડીનો સ્વાદ માણ્યો હતો.




