શાર્દુલનો ધમાકો! MIમાં ડેબ્યુ મેચમાં જ જીતનો હીરો



શાર્દુલનો ધમાકો! MIમાં ડેબ્યુ મેચમાં જ જીતનો હીરો



આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયસ માટે પ્રથમ મેચ રમતા જ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર એ શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી છે. કોલકત્તાની સામેની મેચમાં 3 વિકેટ લઈને તેણે શ્રેષ્ઠ ખેલાડીનો ખિતાબ મેળવ્યો હતો.
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈસ્કોરિંગ મેચમાં કુલ 444 રન નોંધાયા હતા, પરંતુ મહત્વપૂર્ણ ક્ષણે શાર્દુલની બોલિંગે મેચનું પલ્લું મુંબઈ તરફ ફેરવી દીધું. ખાસ કરીને પાવરપ્લેના છેલ્લાં ઓવરમાં તેણે ખતરનાક બેટ્સમેન ફિન એલનને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી.
મેચ બાદ MIના કેપ્ટન હાર્દિક પંડ્યા એ શાર્દુલની ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “હવે ઘણી ટીમો બદલવી પૂરતી થઈ, હું ઈચ્છું છું કે તું આખું કરિયર મુંબઈ ઇન્ડિયન્સ સાથે જ રમ.” હાર્દિકે વધુમાં ઉમેર્યું કે શાર્દુલ એક દિલદાર ખેલાડી છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ બેટ્સમેનને ચકમો આપવા માટે હંમેશા તૈયાર રહે છે.
શાર્દુલ માટે આ ક્ષણ ખાસ રહી, કારણ કે 2011થી 2013 દરમિયાન તે મુંબઈ ઇન્ડિયન્સ માટે નેટ બોલર તરીકે જોડાયેલો હતો. લાંબા સમય પછી તેને ટીમ માટે રમવાનો મોકો મળ્યો અને તેણે આ તકનો પૂરતો લાભ લીધો.
શાર્દુલએ પણ મેચ બાદ જણાવ્યું કે તેને પડકારો ગમે છે અને પાવરપ્લેનો છેલ્લો ઓવર ફેંકવો સહેલો નહોતો. પરંતુ આવી પરિસ્થિતિઓએ જ તેને વધુ મજબૂત બનાવ્યો છે.
આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સે સિઝનની શાનદાર શરૂઆત કરી છે અને 2012 પછી પ્રથમવાર પ્રથમ મેચમાં જીત મેળવી છે.




