સિક્કિમ એનએચપીસી ટનલ દુર્ઘટના બાદ પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરી વાત, બચાવ કામગીરી માટે કેન્દ્રની સંપૂર્ણ મદદનું આશ્વાસન


સિક્કિમ એનએચપીસી ટનલ દુર્ઘટના બાદ પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરી વાત, બચાવ કામગીરી માટે કેન્દ્રની સંપૂર્ણ મદદનું આશ્વાસન


સિક્કિમના નામચી જિલ્લામાં એનએચપીસીની તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોપાવર પ્રોજેક્ટની નિર્માણાધીન ટનલમાં થયેલી દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. તેમણે ઘટનાની ગંભીરતા અંગે માહિતી મેળવી અને કેન્દ્ર સરકાર તરફથી બચાવ તથા રાહત કામગીરી માટે દરેક શક્ય સહાય ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું.
આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ટનલમાં ફસાયેલા અન્ય શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ છે. વડાપ્રધાને મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કરી ઘાયલોના વહેલી તકે સ્વસ્થ થવાની કામના કરી હતી.
મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગે વડાપ્રધાનના તાત્કાલિક સહયોગ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના સમર્થનથી રાજ્ય પ્રશાસનને બચાવ કામગીરીમાં વધુ બળ મળ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફ, સિક્કિમ પોલીસ, ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ, તબીબી ટીમો, જિલ્લા પ્રશાસન અને સ્થાનિક સ્વયંસેવકો સહિત અનેક એજન્સીઓ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે.
રાજ્ય સરકારે લોકોને અફવાઓથી દૂર રહેવા, શાંતિ જાળવવા અને અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. સાથે જ બચાવ કામગીરી સુરક્ષિત અને અસરકારક રીતે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.




