બિસ્માર રસ્તાથી કંટાળેલા ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, રાજકોટ-મોરબી હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો



બિસ્માર રસ્તાથી કંટાળેલા ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, રાજકોટ-મોરબી હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો



રાજકોટ રાજકોટ જિલ્લાના બેડી અને હડમતીયા ગામ વચ્ચેના બિસ્માર રસ્તાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લાંબા સમયથી રસ્તાના સમારકામની માંગ છતાં કોઈ નિરાકરણ ન આવતાં ગ્રામજનોએ રાજકોટ-મોરબી હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ બેડી અને હડમતીયા ગામ વચ્ચેનો રસ્તો લાંબા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે, જેના કારણે રોજિંદા વાહનચાલકો તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાના પ્રશ્ને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક ધારાસભ્ય જીતુ સોમાણી સહિતના જવાબદાર અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.
જોકે, વારંવારની રજૂઆત છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુરુવારે ગ્રામજનોએ રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ગામ નજીક ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકો સાથે ચર્ચા કરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ વાહનવ્યવહાર ફરી શરૂ કરાવવામાં આવ્યો હતો.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે રસ્તાની બિસ્માર હાલતના કારણે અગાઉ સર્જાયેલા અકસ્માતોમાં બે સ્થાનિકોના મોત પણ થયા છે. તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.




