સંસદ પરિસરમાં આકરા વિરોધ વચ્ચે મોદી-રાહુલ વચ્ચે ટૂંકી વાતચીત



સંસદ પરિસરમાં આકરા વિરોધ વચ્ચે મોદી-રાહુલ વચ્ચે ટૂંકી વાતચીત



નવી દિલ્હી: સંસદ ભવન અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા વાકપ્રહારો કરનારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો હાલમાં સામાજિક માધ્યમોમાં ભારે ચર્ચામાં છે. 11 એપ્રિલના આ દૃશ્યોમાં વડાપ્રધાન મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફુલે ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવા જઈ રહ્યા હતા.
વિડિયોમાં સંસદ ભવન પરિસરમાં પ્રેરણા સ્થળે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ તેમજ રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ હાજર જોવા મળે છે. વડાપ્રધાન મોદી સૌને મળતા મળતા રાહુલ ગાંધી પાસે ઉભા રહી થોડા સમય માટે વાતચીત કરતા નજરે પડે છે, જોકે તેમની વચ્ચે શું ચર્ચા થઈ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
આ ઉપરાંત મહાત્મા જ્યોતિરાવ ફુલેની જયંતી નિમિત્તે વડાપ્રધાન મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમણે જણાવ્યું કે ફુલેનું જીવન સમાનતા, ન્યાય અને શિક્ષણ માટે સમર્પિત રહ્યું હતું. 11 એપ્રિલ, 1827ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા ફુલે મહિલાઓ અને પછાત વર્ગોના અધિકારો માટે અગત્યનું કાર્ય કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ફુલેના વિચારો સમાજમાં પ્રગતિ અને સમાનતાનો માર્ગ દર્શાવે છે. તેમના પ્રયાસોથી શિક્ષણ સશક્તિકરણનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે અને સમાજમાં નવી જાગૃતિ આવી છે.




