જામનગરમાં ગેરકાયદેસર ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી, 75 લાખનો મુદ્દામાલ સીઝ



જામનગરમાં ગેરકાયદેસર ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી, 75 લાખનો મુદ્દામાલ સીઝ



જામનગર: ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ મથક વિસ્તાર હેઠળ ભોજાબેડી ગામ તરફ જતા માર્ગ પર દરોડા પાડી લાઇમ સ્ટોન ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જની ટીમે હ્યુમન સોર્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં ગેરકાયદેસર રીતે લાઇમ સ્ટોનનું પરિવહન કરતા ત્રણેય ડમ્પરોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન ડમ્પરોમાંથી કુલ 71.26 મેટ્રિક ટન લાઇમ સ્ટોન મળી આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણેય ડમ્પર સહિત કુલ રૂ. 75 લાખના મુદ્દામાલને સીઝ કર્યો હતો. સમગ્ર કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે રાજ્યની કુદરતી સંપત્તિની ચોરી કરનાર અને ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. રાજકોટ રેન્જની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.




