LSG માલિકનો કડક સંદેશ: “પ્લેઓફ નહીં, હવે ટ્રોફી જ જોઈએ”



LSG માલિકનો કડક સંદેશ: “પ્લેઓફ નહીં, હવે ટ્રોફી જ જોઈએ”



IPL 2026ની શરૂઆત પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ટીમના માલિક સંજીવ ગોએન્કાે કેપ્ટન રિષભ પંતને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે ફક્ત પ્લેઓફ સુધી પહોંચવું પૂરતું નથી, પરંતુ ટીમે ટ્રોફી જીતવી જ પડશે.
IPL 2026 પહેલા જ મેનેજમેન્ટે પોતાની અપેક્ષાઓ જાહેર કરી દીધી છે. લખનૌએ IPLની શરૂઆતમાં સતત બે સિઝનમાં પ્લેઓફ સુધી પહોંચીને સારી ઓળખ બનાવી હતી, પરંતુ IPL 2024માં ટીમ સાતમા સ્થાને રહી જતા નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ટીમમાં અસંતોષ પણ સામે આવ્યો હતો.
આ પરિસ્થિતિ બાદ કેએલ રાહુલને હટાવીને IPL 2025 માટે રિષભ પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. છતાં, પંતની આગેવાનીમાં પણ ટીમનું પ્રદર્શન સુધર્યું નહીં અને લખનૌ ફરી સાતમા સ્થાને જ રહી.
આથી ગોએન્કાએ હવે કડક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે ટીમે હવે ચેમ્પિયન બનવાનું લક્ષ્ય રાખવું પડશે અને પરિણામ આપવું જરૂરી છે.
આગામી સિઝન માટે લખનૌએ ખાસ કરીને બોલિંગ વિભાગમાં સુધારા કર્યા છે. ગયા વર્ષે મુખ્ય બોલરોની ઈજાઓ ટીમ માટે મોટો પડકાર બની હતી, જેને ધ્યાનમાં રાખીને આ વખતે મજબૂત ભારતીય બોલિંગ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે.
ગોએન્કાએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું કે વ્યક્તિગત પ્રદર્શન કરતાં ટીમ તરીકે રમવું વધુ મહત્વપૂર્ણ છે. તેમણે આશા વ્યક્ત કરી કે લખનૌ સુપર જાયન્ટ્સ આ સિઝનમાં એકજૂટ પ્રદર્શન કરીને પોતાની પ્રથમ IPL ટ્રોફી જીતવામાં સફળ રહેશે.




