ખેડામાં ચકલાસીની પીએમ-શ્રી શાળામાં શિક્ષણની નવી ક્રાંતિ, 25 કિલોવોટ સોલારથી શૂન્ય વીજ બિલ



ખેડામાં ચકલાસીની પીએમ-શ્રી શાળામાં શિક્ષણની નવી ક્રાંતિ, 25 કિલોવોટ સોલારથી શૂન્ય વીજ બિલ



ખેડા જિલ્લાના ચકલાસી ગામની પીએમ-શ્રી બ્રાન્ચ શાળાએ આધુનિક શિક્ષણનું અનોખું મોડેલ ઉભું કર્યું છે. 25 કિલોવોટની સોલાર સિસ્ટમથી સજ્જ આ શાળા હવે શૂન્ય વીજ બિલ સાથે ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. વધારાની ઉત્પન્ન થતી વીજળીથી શાળાને આર્થિક આવક પણ મળી રહી છે.

શાળામાં સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, વાઈ-ફાઈ અને સીસીટીવી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આકર્ષક રંગકામ અને સ્માર્ટ ક્લાસરૂમના કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ વધ્યો છે. સરકારી ગ્રાન્ટ અને દાતાઓના સહયોગથી શાળામાં ખાનગી શાળાઓ જેવી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આચાર્યના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને અહીં પ્રવેશ લીધો છે, જ્યારે 35 વિદ્યાર્થીઓ વેઈટિંગમાં છે. હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા 340 થી વધીને 418 થઈ છે.

શિક્ષણ અધિકારી ડો. પરેશ વાઘેલાના જણાવ્યા મુજબ, આ શાળા સરકારની યોજનાઓના સફળ અમલીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. ચકલાસીની આ શાળાએ સાબિત કર્યું છે કે સરકારી શાળાઓ પણ આધુનિક અને ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે છે.




