ભારતે પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 10 અબજ ડોલરના સ્માર્ટફોનની વિક્રમી નિકાસ કરી


ભારતે પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 10 અબજ ડોલરના સ્માર્ટફોનની વિક્રમી નિકાસ કરી


ભારતે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોન નિકાસ ક્ષેત્રે નવો રેકોર્ડ બનાવ્યો છે. તાજા આંકડા અનુસાર, એપ્રિલથી જૂન દરમિયાન દેશમાંથી સ્માર્ટફોનની નિકાસ લગભગ 10 અબજ ડોલર સુધી પહોંચી છે. આ નિકાસમાં એપલના આઇફોન શિપમેન્ટનો સૌથી મોટો ફાળો રહ્યો છે.
એપ્રિલ-જૂન દરમિયાન મૂલ્યની દૃષ્ટિએ સ્માર્ટફોન નિકાસ 23.4 ટકા વધીને 9.84 અબજ ડોલર થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 7.97 અબજ ડોલર હતી. આ સમયગાળા દરમિયાન અમેરિકા ભારતમાંથી નિકાસ થતા સ્માર્ટફોન માટે સૌથી મોટું બજાર રહ્યું છે. અમેરિકામાં ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનની માંગ સતત મજબૂત જોવા મળી રહી છે.
સ્માર્ટફોન નિકાસમાં થયેલા વધારાની અસર દેશની કુલ ઇલેક્ટ્રોનિક્સ નિકાસ પર પણ પડી છે. એપ્રિલ-જૂન દરમિયાન ભારતે કુલ 15.2 અબજ ડોલરના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસ કરી હતી, જેમાં સ્માર્ટફોનનો હિસ્સો 64.8 ટકા રહ્યો હતો.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં ભારતમાં બનેલા સ્માર્ટફોનના શિપમેન્ટમાં 8 ટકા અને નિકાસમાં 28 ટકાનો વધારો નોંધાયો હતો. દેશમાં ઉત્પાદિત કુલ સ્માર્ટફોનમાંથી લગભગ એક તૃતીયાંશની નિકાસ કરવામાં આવી હતી.
આ વૃદ્ધિમાં એપલના મેન્યુફેક્ચરિંગ ભાગીદારોનો મોટો ફાળો રહ્યો છે. ફોક્સકોન હોન હાઈની નિકાસમાં 48 ટકા અને સેમસંગની નિકાસમાં 4 ટકાનો વધારો નોંધાયો હતો. સરકારની PLI યોજના, SEZ સુધારા, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે વધારાનું બજેટ અને FDI નિયમોમાં છૂટછાટથી ભારતના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવાના પ્રયાસોને વેગ મળ્યો છે.




