ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એનર્જી સિક્યોરિટી ડીલ: ક્લીન એનર્જીના લક્ષ્યાંકોને મળશે નવી તાકાત, હવે ઓસ્ટ્રેલિયાથી યુરેનિયમ આયાતનો રસ્તો ખૂલ્યો



ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે એનર્જી સિક્યોરિટી ડીલ: ક્લીન એનર્જીના લક્ષ્યાંકોને મળશે નવી તાકાત, હવે ઓસ્ટ્રેલિયાથી યુરેનિયમ આયાતનો રસ્તો ખૂલ્યો



મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે ઊર્જા સુરક્ષાને લઈને એક મોટો ઐતિહાસિક કરાર થયો છે. વાર્ષિક લીડર્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બેનિઝે આ ડીલની જાહેરાત કરી હતી. આ કરારથી ઓસ્ટ્રેલિયા તરફથી ભારતને યુરેનિયમની સપ્લાય માટેનો રસ્તો સાફ થઈ ગયો છે, જેનો ઉપયોગ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ કાર્યો માટે કરવામાં આવશે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "આ કરાર ભારતના ક્લીન એનર્જીના લક્ષ્યાંકોને નવી મજબૂતી આપશે અને ઊર્જા ક્ષેત્રે બંને દેશોનો સહયોગ વધુ ઊંડો બનાવશે." સંયુક્ત નિવેદન અનુસાર, આ નિકાસ ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના સુરક્ષા નિયમો હેઠળ જ થશે.
પશ્ચિમ એશિયાના તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવો પર ચિંતા વ્યક્ત કરી
બંને દેશોના વડાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અને તેના કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઈન તેમજ કોમોડિટીના ભાવો પર પડનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને લિક્વિડ ફ્યુઅલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ સપ્લાય કરવામાં તેમજ ઓસ્ટ્રેલિયાએ ભારતને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સપ્લાય કરવામાં પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભાગીદારી મજબૂત બનશે
વડાપ્રધાન મોદીએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂકતા કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા જીવંત લોકશાહી અને મહત્વપૂર્ણ ઇન્ડો-પેસિફિક ભાગીદારો છે. બંને દેશો રિન્યુએબલ એનર્જી અને લો-કાર્બન ફ્યુઅલને પ્રોત્સાહન આપીને એનર્જી સપ્લાય ચેઈનને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરશે.




