ભારતનું EV માર્કેટ 2034 સુધીમાં 191 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા, વાર્ષિક 55 ટકાના વિકાસનો અંદાજ


ભારતનું EV માર્કેટ 2034 સુધીમાં 191 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા, વાર્ષિક 55 ટકાના વિકાસનો અંદાજ


ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો વધતો ટ્રેન્ડ હવે અર્થતંત્રના મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર દેશમાં EVનું વેચાણ વર્ષ 2016માં લગભગ 50 હજાર યુનિટ હતું, જે વધીને 2025માં 23 લાખ યુનિટ સુધી પહોંચી ગયું છે. એટલે કે છેલ્લા કેટલાક વર્ષોમાં EV વેચાણમાં લગભગ 46 ગણો વધારો નોંધાયો છે.
સરકારના અનુમાન મુજબ વર્ષ 2034 સુધીમાં ભારતનું EV માર્કેટ 191.04 અબજ ડોલરનું થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન EV ક્ષેત્રનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 54.94 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર ભારતનો EV બેટરી બજાર પણ ઝડપથી વિસ્તરશે. વર્ષ 2025માં જે બેટરી માર્કેટ 2.71 અબજ ડોલરનું છે, તે 2034 સુધીમાં વધીને 15.90 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં દેશમાં વેચાતા કુલ વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનોની ભાગીદારી 30 ટકા સુધી પહોંચાડવાનો છે. આ માટે 2030 સુધીમાં 13.2 લાખ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેથી EV ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી શકાય.
વર્ષ 2025માં EV વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણનો રહ્યો છે. આ સમયગાળા દરમિયાન 12.8 લાખ ઇલેક્ટ્રિક બે-વ્હીલર અને 8 લાખ ઇલેક્ટ્રિક ત્રણ-વ્હીલરનું વેચાણ થયું છે.
ભારતીય EV હવે વૈશ્વિક બજારમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. EV નિકાસ વર્ષ 2020માં 12 લાખ ડોલરથી વધીને 2024માં 8.4 કરોડ ડોલર સુધી પહોંચી છે. ભારતમાંથી EVના મુખ્ય નિકાસ સ્થળોમાં નેપાળ, ઇન્ડોનેશિયા અને જાપાનનો સમાવેશ થાય છે.
ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ઝડપી પ્રગતિ થઈ રહી છે. જુલાઈ 2026 સુધી દેશમાં ઉપલબ્ધ 52,718 જાહેર ચાર્જિંગ સ્ટેશનોમાંથી 16,561 સ્ટેશનો પર ફાસ્ટ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
EV ક્ષેત્રમાં રોકાણ પણ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન આ ક્ષેત્રે અંદાજે 1.4 અબજ ડોલરનું રોકાણ આકર્ષ્યું છે. સરકાર દ્વારા ફેમ યોજના, એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) માટે PLI યોજના અને બેટરી લોકલાઇઝેશન જેવી પહેલો દ્વારા ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.




