રાજકોટમાં તાપનો તાંડવ: 44 ડિગ્રી પાર, આગામી 3 દિવસ હીટવેવની આગાહી



રાજકોટમાં તાપનો તાંડવ: 44 ડિગ્રી પાર, આગામી 3 દિવસ હીટવેવની આગાહી



રાજકોટ રાજકોટ શહેરમાં ઉનાળાની ગરમી હવે ચરમસીમાએ પહોંચી રહી છે. સૂર્યના કડક તાપ સાથે શહેરમાં જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બપોરે 2 વાગ્યે રાજકોટનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે ગઈકાલે મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું. આ ઉનાળાની સિઝનમાં રાજકોટ અનેક વખત ગુજરાતનું સૌથી ગરમ શહેર બની રહ્યું છે, જેના કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે.
ખાસ કરીને બપોરે 2થી 3 વાગ્યાનો સમયગાળો સૌથી વધુ ગરમ રહેતા લોકો શક્ય તેટલું બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જોકે કામકાજ માટે બહાર જવું પડતું હોય ત્યારે પુરુષો મોઢા પર રૂમાલ બાંધીને અને મહિલાઓ ચુંદડી ઢાંકી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે, જેથી તેઓ ગરમીથી બચી શકે.
તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે વગર જરૂરી કામે બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. સાથે જ તાપમાન વધતા વધુમાં વધુ પાણી, છાશ અને લીંબુ પાણી જેવા પ્રવાહી પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી ડિહાઈડ્રેશનથી બચી શકાય.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજકોટ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. જેના કારણે લોકોને વધુ સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.




