ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગિલનો આત્મવિશ્વાસ, કહ્યું- ટીમને ફરી ચેમ્પિયન બનાવશું



ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગિલનો આત્મવિશ્વાસ, કહ્યું- ટીમને ફરી ચેમ્પિયન બનાવશું



IPL 2026ની શરૂઆત પહેલા જ શુભમન ગિલે પોતાના નિવેદનથી ચર્ચા જગાવી છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગિલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેને આ સિઝનમાં કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી, તેનું સંપૂર્ણ ધ્યાન ટીમને ફરી એકવાર ચેમ્પિયન બનાવવા પર છે.
IPL 2026 28 માર્ચથી શરૂ થવાની છે, જેમાં પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. જ્યારે ગુજરાત ટાઈટન્સ 31 માર્ચે પોતાની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે.
ગિલે કહ્યું કે, “છેલ્લા 3-4 સિઝન પર નજર કરીએ તો IPLમાં મેં સૌથી વધુ રન બનાવ્યા છે. તેથી મને લાગતું નથી કે આ સિઝનમાં મને કંઈ સાબિત કરવાનું છે.” તેમણે ઉમેર્યું કે ટીમ અને વ્યક્તિગત સ્તરે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સારું પ્રદર્શન કર્યું છે.
ગિલે વધુમાં જણાવ્યું કે, “મારું કામ માત્ર એ જ છે કે છેલ્લા ચાર વર્ષથી જે રીતે રમી રહ્યો છું તે જ ચાલુ રાખવું. જો ટીમ એકજૂટ રહીને સારું પ્રદર્શન કરશે, તો અમે ફરી ટ્રોફી જીતી શકીએ છીએ.”
હાલમાં ગિલ ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ સંભાળી રહ્યો છે. જ્યારે T20 ટીમમાંથી તેને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી સંજૂ સેમસનને ટોપ ઓર્ડરમાં તક મળી શકે. આ નિર્ણય બાદ ભારતે ICC T20 વર્લ્ડકપ જીતતા ટીમ મેનેજમેન્ટનો નિર્ણય યોગ્ય સાબિત થયો હતો.




