કપાસ પરની 11% આયાત ડયુટી હટાવવાની માંગ સામે ખેડૂતોમાં આક્રોશ



કપાસ પરની 11% આયાત ડયુટી હટાવવાની માંગ સામે ખેડૂતોમાં આક્રોશ



સુરત: સુરત ખાતે કપાસ પર લાગુ 11 ટકા આયાત ડયુટી હટાવવાની માંગને લઈને ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પરની 11 ટકા આયાત ડયુટી દૂર કરવાની માંગ કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
આ મુદ્દે ખેડૂત આગેવાન જયેશ પટેલએ પણ પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પરની આયાત ડયુટી યથાવત રાખવા રજૂઆત કરી છે. જયેશ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે હાલમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઈબર્સના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ગારમેન્ટ અને ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા કપાસની આયાત પર લાગુ 11 ટકા ડયુટી દૂર કરીને આયાતને વેરામુક્ત કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે જો ભારત સરકાર કપાસની આયાતને વેરામુક્ત કરશે તો વિદેશથી આવતો કપાસ સસ્તા ભાવે ઉપલબ્ધ બનશે.
જેના સીધા અસરરૂપે દેશના કપાસ ઉત્પાદક ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને દેશના લાખો ખેડૂતોની આજીવિકા કપાસના પાક પર આધારિત છે. આવા સમયમાં આયાત ડયુટી દૂર કરવાનો નિર્ણય ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી સરકારે ખેડૂતોના હિતમાં કપાસ પરની 11 ટકા આયાત ડયુટી ચાલુ રાખવી જોઈએ તેવી નમ્ર પરંતુ આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે. જયેશ પટેલે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો વેરામુક્ત કપાસની આયાત અટકાવવામાં નહીં આવે તો કપાસ ઉત્પાદક ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
તેમણે જણાવ્યું કે ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ, નવી ટેકનોલોજી અને લઘુતમ ટેકાના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે, જેના સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા છે. તેમણે અંતમાં જણાવ્યું કે દેશના વિકાસનો પાયો કૃષિ વિકાસમાં રહેલો છે અને સરકાર ખેડૂતોના હિત માટે સતત કાર્યરત રહી છે. તેથી કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી કપાસ પરની 11 ટકા આયાત ડયુટી યથાવત રાખવામાં આવે તેવી સમગ્ર ખેડૂત સમાજ તરફથી માંગ ઉઠી રહી છે.




