પીએમ મોદીની અપીલનો બિહારમાં જોવા મળ્યો અસરકારક પ્રભાવ



પીએમ મોદીની અપીલનો બિહારમાં જોવા મળ્યો અસરકારક પ્રભાવ



પટના: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડીઝલ-પેટ્રોલ બચત માટેની અપીલનો બિહારમાં અસર જોવા મળી રહી છે. બિહારમાં મુખ્યમંત્રીના કાફલા (ફ્લીટ)માં વાહનોની સંખ્યા ઘટાડવાનો અથવા તેને ન્યૂનતમ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ મંત્રીઓ, નિગમ અને બોર્ડના અધ્યક્ષો સહિત અન્ય અધિકારીઓને પણ વાહનોની સંખ્યા ઘટાડવાની અપીલ કરી છે. આ માહિતી તેમણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીઝલ અને પેટ્રોલની બચત માટે વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ સંદર્ભમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના કારકેડમાં વાહનોની સંખ્યા ઘટાડવાનો અથવા તેને ન્યૂનતમ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે મંત્રીઓ, નિગમ અને બોર્ડના અધ્યક્ષો તથા અન્ય સભ્યોને જાહેર કાર્યક્રમોમાં વધારાના વાહનો વગર આવવા માટે અપીલ કરવામાં આવી છે. રાજ્યની જનતાને મેટ્રો, બસ, ઓટો તથા અન્ય જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ રાજ્ય સરકારના તમામ વિભાગોને તમામ પ્રકારની કોન્ફરન્સ અને સરકારી બેઠકઓ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવા માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. ઉપરાંત સરકારી કચેરીઓની કેન્ટીનમાં પામ ઓઈલના ઓછામાં ઓછા ઉપયોગનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
તેમણે સરકારી અને ખાનગી કચેરીઓમાં ‘વર્ક ફ્રોમ હોમ’ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સલાહ આપી છે. સાથે જ દરેકને અઠવાડિયામાં એક દિવસ ‘નો વ્હીકલ ડે’ ઉજવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ હૈદરાબાદની એક જનસભામાં દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરે, મેટ્રો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરે તથા કારપૂલિંગને પ્રોત્સાહન આપે.




