કેદારનાથ ધામમાં હાર્ટ એટેકથી શ્રદ્ધાળુનું મોત, પરિવારના ગંભીર આરોપ



ફાઈલ ફોટો
કેદારનાથ ધામમાં હાર્ટ એટેકથી શ્રદ્ધાળુનું મોત, પરિવારના ગંભીર આરોપ



ફાઈલ ફોટો
કેદારનાથ: કેદારનાથ ધામના કપાટ ખુલતા જ શરૂ થયેલી ચારધામ યાત્રામાં એક ગુજરાતી શ્રદ્ધાળુના મોત બાદ વ્યવસ્થાને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વડોદરાના 69 વર્ષીય દિલીપભાઈ માલીનું હાર્ટ એટેકથી મોત થયું હતું, ત્યારબાદ પરિવારજનોએ તંત્રની બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરા ગોરવા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ માલી પોતાના પરિવાર સાથે કેદારનાથ દર્શન માટે ગયા હતા. ત્યાં તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સમયસર તબીબી સહાય અને જરૂરી મદદ મળી નહોતી.
પરિવારના જણાવ્યા મુજબ, મોત બાદ મૃતદેહ લગભગ બે કલાક સુધી હેલિપેડ પર તડકામાં પડ્યો રહ્યો હતો. મૃતદેહને હેલિકોપ્ટર મારફતે નીચે મોકલવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં કોઈ વ્યવસ્થા થઈ નહોતી. પરિવારજનોએ સવાલ ઉઠાવ્યો કે વીઆઈપી મૂવમેન્ટ માટે હેલિકોપ્ટર ઉપલબ્ધ હોય તો એક શ્રદ્ધાળુના મૃતદેહ માટે કેમ નહીં?
મૃતકના પુત્ર હેમંત માલીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં તેમણે જણાવ્યું કે એમ્બ્યુલન્સ માટે સંપર્ક કરવામાં આવતા મૃતદેહને દિલ્હી એરપોર્ટ સુધી પહોંચાડવા માટે રૂ.16,000ની માંગણી કરવામાં આવી હતી, જેના કારણે પરિવાર વધુ આઘાતમાં આવ્યો હતો.
જોકે, રુદ્રપ્રયાગ પોલીસે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે 22 એપ્રિલે દિલીપભાઈની તબિયત બગડતા તેમનું મોત થયું હતું. ત્યારબાદ હેલિકોપ્ટર સેવાઓ અંગે DGCA દ્વારા સુરક્ષા નિરીક્ષણ ચાલતું હોવાથી વિલંબ થયો હતો. મંજૂરી મળ્યા બાદ મૃતદેહને હેલિકોપ્ટર મારફતે નીચે મોકલવામાં આવ્યો હતો.
ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ પ્રાધિકરણના સીઈઓએ જણાવ્યું કે કંટ્રોલ રૂમને શરૂઆતમાં મૃતદેહ અંગે જાણ નહોતી. માહિતી મળતા જ 10 થી 15 મિનિટમાં હેલિકોપ્ટર વ્યવસ્થા કરી મૃતદેહને નીચે પહોંચાડવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ ચારધામ યાત્રાની વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મુશ્કેલ પરિસ્થિતિમાં યાત્રા કરે છે, ત્યારે મૂળભૂત સુવિધાઓ અને સંકલનના અભાવને લઈને તંત્રની કામગીરી પર ચર્ચા શરૂ થઈ છે.




