અમદાવાદ એરપોર્ટ પર 'બર્ડ હિટ'નું જોખમ ઘટાડવા AMCનો મોટો નિર્ણય : આસપાસના વિસ્તારોમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ



ફાઈલ ફોટો
અમદાવાદ એરપોર્ટ પર 'બર્ડ હિટ'નું જોખમ ઘટાડવા AMCનો મોટો નિર્ણય : આસપાસના વિસ્તારોમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ



ફાઈલ ફોટો
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર વિમાનો સાથે પક્ષીઓ અથડાવવાની (બર્ડ હિટ) ઘટનાઓ રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટીની સૂચના બાદ, AMC એ એરપોર્ટની નજીક આવેલા અસારવા વોર્ડના ચમનપુરા ફિશ માર્કેટ અને હોળી ચકલા વિસ્તારમાં માંસ, મટન અને માછલીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.
ગુરુવારે તંત્ર દ્વારા આ વિસ્તારોમાં પ્રતિબંધના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
કેમ લેવાયો આ નિર્ણય?
પક્ષીઓનો જમાવડો: અધિકારીઓના જણાવ્યા અનુસાર, અસારવા ખાતેના કામચલાઉ ફિશ માર્કેટને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ એકઠા થતા હતા, જેનાથી એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક-ઓફ કરતા વિમાનો માટે ખતરો ઊભો થતો હતો.
જૂની ઘટનાનો બોધ: 12 જૂન, 2025ના રોજ થયેલા એર ઈન્ડિયા AI 171 ના ક્રેશ બાદ તંત્ર દ્વારા એવિએશન સેફ્ટીને લઈને ગંભીરતા વધારવામાં આવી છે.
10 કિમીની ત્રિજ્યામાં પ્રતિબંધ: એવિએશન સેફ્ટીના નિયમો મુજબ, એરપોર્ટની 10 કિમીની ત્રિજ્યામાં ખુલ્લો કચરો, ગંદકી કે માંસનું વેચાણ જેવી પક્ષીઓને આકર્ષતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે.
કાયદાકીય જોગવાઈ અને સજા
નિયમોનું પાલન કરાવવા માટે AMC અને પોલીસ સંયુક્ત રીતે ડ્રાઈવ ચલાવશે.
નિયમ: ભારતીય વાયુયાન વિધેયક, 2024 ની કલમ 25(2) અને એરક્રાફ્ટ રૂલ્સ, 1937 ના નિયમ 91 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
સજા: જો કોઈ વેપારી કે ફેરિયો આ નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાશે, તો તેને 3 વર્ષ સુધીની જેલ અને રૂ. 10,000 સુધીનો દંડ થઈ શકે છે.
કયા વિસ્તારોમાં અમલ થશે?
AMC ના અધિકારીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલથી લઈને જૂના MLA ક્વાર્ટર સુધીના પટ્ટામાં આવતા ચમનપુરા ફિશ માર્કેટ અને હોળી ચકલા વિસ્તારમાં માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ વિસ્તારોમાં ચેતવણીના બોર્ડ પહેલેથી જ લગાવી દેવામાં આવ્યા છે.




