10 વર્ષ બાદ અમદાવાદ કસ્ટમ્સની મોટી ઈ-ઓક્શનથી લાખોની કમાણી થઈ



ફાઈલ ફોટો
10 વર્ષ બાદ અમદાવાદ કસ્ટમ્સની મોટી ઈ-ઓક્શનથી લાખોની કમાણી થઈ



ફાઈલ ફોટો
અમદાવાદ અમદાવાદમાં એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા જપ્ત કરાયેલા આઈફોન અને લક્ઝરી ઘડિયાળોની ઓનલાઈન ઈ-ઓક્શન યોજાતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારે પ્રતિસાદના કારણે બપોરે શરૂ થયેલી ઓક્શન મોડી રાત સુધી ચાલી હતી. છેલ્લા લગભગ 10 વર્ષ બાદ અમદાવાદમાં આવી મોટી ઓક્શન યોજાતા કસ્ટમ્સ વિભાગને લાખો રૂપિયાની આવક થઈ હતી.
અમદાવાદ એરપોર્ટ પર ઘણીવાર મુસાફરો દ્વારા મોંઘી વસ્તુઓ કસ્ટમ્સ નિયમોના ભંગ અથવા અન્ય કારણોસર છોડીને જવામાં આવે છે. આવી જપ્ત કરાયેલી વસ્તુઓની કસ્ટમ્સ વિભાગ દ્વારા સમયાંતરે ઈ-ઓક્શન મારફતે હરાજી કરવામાં આવે છે.
આ વખતે યોજાયેલી ઓક્શનમાં 87 આઈફોન અને 27 વિદેશી પ્રીમિયમ ઘડિયાળો વેચાણ માટે મુકવામાં આવ્યા હતા. જેમાં iPhone 11થી લઈને iPhone 15 સિરીઝ સુધીના મોબાઈલનો સમાવેશ થતો હતો. આ ઓનલાઈન ઓક્શન MSTCL પોર્ટલ મારફતે યોજાઈ હતી. ઓક્શનનો સમય બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ લોકોમાં ભારે ઉત્સાહને કારણે મોડીરાત સુધી બોલી ચાલતી રહી હતી.
ઓક્શન પહેલાં રસ ધરાવતા લોકોએ એરપોર્ટ પર પહોંચી ડિવાઈસનું ફિઝિકલ નિરીક્ષણ પણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં છેલ્લા 10 વર્ષ બાદ આ પ્રકારની મોટી કસ્ટમ્સ ઓક્શન યોજાઈ હતી.
ઓક્શનના પ્રથમ લોટ માટે 265 બોલી લાગી હતી અને તેમાંથી 5.18 લાખ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે બીજા લોટ માટે 205 બોલી લાગી હતી અને કિંમત 13 લાખ રૂપિયા સુધી પહોંચી હતી. જોકે, બીજા લોટને રિઝર્વ પ્રાઈસ ન મળતા તેની ઓક્શન હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે.
કસ્ટમ્સ વિભાગ હવે સ્મગલિંગ કેસોમાં વર્ષ 2019થી 2023 દરમિયાન જપ્ત કરાયેલા વધુ 153 મોબાઈલ ફોનની આગામી ઓક્શન માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.




