Get News Alerts

Never miss breaking news updates.

AIથી બનાવટી ટ્રેન ટિકિટ કૌભાંડનો ભંડાફોડ: અમદાવાદ-જોધપુરમાં અનેક લોકોની ધરપકડ

21 માર્ચે ટ્રેન નં. 22968 પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ અમદાવાદ પહોંચતાં ચેકિંગ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ટિકિટ તપાસ દરમિયાન 15 મુસાફરો બનાવટી ટિકિટ પર મુસાફરી કરતા ઝડપાયા હતા. આવી જ ઘટના જોધપુરમાં પણ સામે આવી છે, જ્યાં અસર્વા-ઉદયપુર, જયપુર-આગ્રા, આગ્રા ફોર્ટ-જોધપુર અને વારાણસી સિટી-જોધપુર એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં નકલી ટિકિટથી મુસાફરી થતી હોવાનો ખુલાસો થયો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 Apr 2026 02:05 PM IST
AIથી બનાવટી ટ્રેન ટિકિટ કૌભાંડનો ભંડાફોડ: અમદાવાદ-જોધપુરમાં અનેક લોકોની ધરપકડAIથી બનાવટી ટ્રેન ટિકિટ કૌભાંડનો ભંડાફોડ: અમદાવાદ-જોધપુરમાં અનેક લોકોની ધરપકડ

ફાઈલ ફોટો

અમદાવાદ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને બનાવટી રેલવે ટિકિટ બનાવી વેચવાનો હાઈટેક કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે અમદાવાદ અને જોધપુરમાં પોલીસે કાર્યવાહી કરીને અનેક લોકોની ધરપકડ કરી છે, જેને પગલે રેલવે તંત્રમાં ચિંતા ફેલાઈ છે.

માહિતી મુજબ 21 માર્ચે ટ્રેન નં. 22968 પ્રયાગરાજ-અમદાવાદ એક્સપ્રેસ અમદાવાદ પહોંચતાં ચેકિંગ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ટિકિટ તપાસ દરમિયાન 15 મુસાફરો બનાવટી ટિકિટ પર મુસાફરી કરતા ઝડપાયા હતા. આવી જ ઘટના જોધપુરમાં પણ સામે આવી છે, જ્યાં અસર્વા-ઉદયપુર, જયપુર-આગ્રા, આગ્રા ફોર્ટ-જોધપુર અને વારાણસી સિટી-જોધપુર એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં નકલી ટિકિટથી મુસાફરી થતી હોવાનો ખુલાસો થયો હતો.

આ કેસમાં અમદાવાદમાં 15 અને જોધપુરમાં 2 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

AIથી ચાલતું કૌભાંડ કેવી રીતે કામ કરતું હતું?

તપાસમાં સામે આવ્યું છે કે ઠગોએ અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખૂબ જ ચાલાકીથી આ કૌભાંડ ચલાવ્યું હતું: પ્રથમ તબક્કે ઓછા ભાડાની ઓરિજિનલ ટિકિટ ખરીદવામાં આવતી
ત્યારબાદ AI ટૂલ્સની મદદથી મુસાફરીની તારીખ, રૂટ અને મુસાફર વિગતોમાં ફેરફાર કરવામાં આવતો
ટિકિટનો મૂળ UTS નંબર જાળવી રાખીને તેને અસલી જેવી દેખાવ આપવામાં આવતો
એડિટિંગ ટૂલ્સ દ્વારા ફોન્ટ, કલર અને ડિઝાઇન એકદમ ઓરિજિનલ જેવી બનાવવામાં આવતી
પિક્સેલ લેવલ સુધી ટિકિટને સાચી જેવી બનાવવામાં આવતી
એક જ ટિકિટ નંબર પરથી અનેક નકલી ટિકિટો તૈયાર કરવામાં આવતી
મોબાઇલ સ્ક્રીન પર ટિકિટ બતાવી ચેકિંગ દરમિયાન અધિકારીઓને ગેરમાર્ગે દોરવામાં આવતું

રેલવેને નુકસાન, નિર્દોષ મુસાફરો ભોગ બને છે

અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારની ઠગાઈથી રેલવેને આર્થિક નુકસાન થાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે સામાન્ય અને અજાણ મુસાફરો આવી ટિકિટ ખરીદી છેતરાય છે. પકડાતા તેઓને દંડ, કાયદેસર કાર્યવાહી અને જેલની સજા સુધીનો સામનો કરવો પડે છે.

મુસાફરો માટે મહત્વપૂર્ણ સલાહ

હંમેશા સત્તાવાર બુકિંગ કાઉન્ટર અથવા IRCTC Rail Connect એપ અને વેબસાઇટ પરથી જ ટિકિટ બુક કરો
અજાણ્યા સ્ત્રોતથી મળેલી PDF અથવા સ્ક્રીનશોટ ટિકિટ પર વિશ્વાસ ન કરો
શંકાસ્પદ એજન્ટ અથવા ટિકિટ વેચાણ અંગે તરત જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને જાણ કરો

રેલવે તંત્રએ મુસાફરોને સાવચેત રહેવા અપીલ કરી છે, કારણ કે ટેક્નોલોજીના ઉપયોગ સાથે ટિકિટિંગમાં ઠગાઈના નવા રસ્તા ઝડપથી વિકસી રહ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.