કેનેડામાં 9,000 પંજાબીઓ પર દેશનિકાલનો ખતરો: નવા કાયદા બાદ 30,000 લોકોને નોટિસ



ફાઈલ ફોટો
કેનેડામાં 9,000 પંજાબીઓ પર દેશનિકાલનો ખતરો: નવા કાયદા બાદ 30,000 લોકોને નોટિસ



ફાઈલ ફોટો
કેનેડામાં રહેતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ અને શરણાર્થીઓ માટે ચિંતા વધારતી મોટી ખબર સામે આવી છે. કેનેડા સરકારે નવા ઇમિગ્રેશન કાયદા Bill C-12 લાગુ કર્યા બાદ આશરે 30,000 લોકોને નોટિસ ફટકારી છે, જેમાં અંદાજે 9,000 પંજાબીઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે, નહીં તો તેમને દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.
સરકાર દ્વારા લાગુ કરાયેલા આ નવા કાયદા મુજબ હવે કેનેડામાં પ્રવેશ કર્યા બાદ એક વર્ષની અંદર જ શરણાર્થી દરજ્જા માટે અરજી કરવી ફરજિયાત રહેશે. અગાઉ આવી કોઈ સમય મર્યાદા ન હોવાથી ઘણા લોકો વર્ષો સુધી કાનૂની પ્રક્રિયાના આડમાં ત્યાં રહી શકતા હતા. હવે નિયમોમાં કડકાઈ લાવવામાં આવતા, ગેરકાયદેસર રીતે કામ કરતા પકડાયેલા લોકો માટે લાંબી સુનાવણીની વ્યવસ્થા પણ હટાવી દેવામાં આવી છે અને સીધી દેશનિકાલ પ્રક્રિયા હાથ ધરાશે.

આ કાયદો 2025થી અમલમાં માનવામાં આવી રહ્યો છે, જેના કારણે પહેલાથી વર્ક પરમિટ પૂર્ણ થયા બાદ રહેતા લોકો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. નોટિસમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો એક વર્ષની અંદર આશ્રય માટે અરજી ન કરવામાં આવી હોય તો અરજી કેમ નકારી ન કાઢવી જોઈએ તે અંગે જવાબ આપવો ફરજિયાત છે. તમામ અરજદારોને 3 મે, 2026 સુધીમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની રહેશે.
ફક્ત એવા કેસમાં જ રાહત મળશે જ્યાં અરજદાર પોતાના દેશમાં જીવલેણ જોખમ અથવા મેડિકલ ઇમરજન્સી જેવા ગંભીર કારણો દર્શાવી શકશે અને તેની યોગ્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરશે. નહીં તો વર્ક પરમિટ રદ થઈ દેશનિકાલ પ્રક્રિયા શરૂ થશે.
આ કાયદા સામે વિરોધ પણ શરૂ થયો છે. 17 એપ્રિલે વિનિપેગમાં પંજાબી વિદ્યાર્થીઓ સહિત વિવિધ દેશોના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ વર્ક પરમિટ લંબાવવાની અને દેશનિકાલ પ્રક્રિયા બંધ કરવાની માંગ કરી છે.
ખાસ કરીને ભારતીય, ખાસ કરીને પંજાબી વિદ્યાર્થીઓ માટે આ કાયદો મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય છે, પરંતુ હવે નવા નિયમો તેમના ભવિષ્યને અનિશ્ચિત બનાવી રહ્યા છે.




