મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, મુંબઈ-પુણે માર્ગ પર ભૂસ્ખલન, ટ્રેનો રદ, ઈમરજન્સી હેલ્પલાઈન જાહેર



મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, મુંબઈ-પુણે માર્ગ પર ભૂસ્ખલન, ટ્રેનો રદ, ઈમરજન્સી હેલ્પલાઈન જાહેર



મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને મુંબઈ અને પુણે વચ્ચેના માર્ગ અને રેલવે વ્યવહાર પર તેની મોટી અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે મુંબઈ-પુણે કનેક્ટિંગ મિસિંગ લિંક રોડ પર ટનલ નં. 2ના એક્ઝિટ નજીક ભૂસ્ખલનની ઘટના બનતા સોમવારે વહેલી સવારે 4 વાગ્યાથી પુણેથી મુંબઈ જતી લેન પરનો ટ્રાફિક સુરક્ષાના કારણોસર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) અને ટ્રાફિક પોલીસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે તેમજ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત વરસાદ અને તેજ પવનને કારણે રાહત કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. અધિકારીઓએ લોકોને અત્યંત જરૂરી કામ સિવાય મુંબઈ અને પુણે વચ્ચેની મુસાફરી ટાળવાની અપીલ કરી છે.
ભારે વરસાદની અસર રેલવે સેવા પર પણ પડી છે. મુંબઈ-પુણે રેલવે રૂટ પર ઠાકુરવાડી વિસ્તારમાં ભૂસ્ખલન થતાં રેલવે તંત્રએ મુંબઈથી પુણે જતી કેટલીક ટ્રેનો રદ કરી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવી મુંબઈ મહાનગરપાલિકાએ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. કોઈપણ પૂર, વૃક્ષ ધરાશાયી થવા, ભૂસ્ખલન, માર્ગ અવરોધ અથવા અન્ય આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક હેલ્પલાઈનનો સંપર્ક કરવા અને વહીવટીતંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ સોશિયલ મીડિયા મારફતે લોકોને સાવચેતી રાખવા અને જરૂરી ન હોય ત્યાં સુધી મુંબઈ-પુણે વચ્ચેની મુસાફરી ટાળવા અનુરોધ કર્યો છે. બીજી તરફ, આકાશા એરલાઈને પણ મુંબઈ, પુણે અને ગોવા ખાતે ભારે વરસાદને કારણે કેટલીક ફ્લાઇટોમાં વિલંબ થઈ શકે તેવી માહિતી આપી છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચકાસવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવતા પ્રશાસન સંપૂર્ણ સતર્ક બન્યું છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.




