રોજની એક ડ્રિંક પણ હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધારી શકે



રોજની એક ડ્રિંક પણ હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધારી શકે



રોજ માત્ર એક આલ્કોહોલિક ડ્રિંક પીવાની આદત પણ હૃદયના આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલ હાયપરટેન્શનમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં જણાયું છે કે ઓછી માત્રામાં દારૂનું નિયમિત સેવન પણ બ્લડ પ્રેશરમાં સતત વધારો કરી શકે છે, જે લાંબા ગાળે હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમમાં વધારો કરે છે.
અભ્યાસમાં અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના લગભગ 19,500થી વધુ લોકોના આરોગ્યના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ ઘણા વર્ષો સુધી તેમની જીવનશૈલી અને બ્લડ પ્રેશરમાં થતા ફેરફારો પર નજર રાખી. પરિણામે જાણવા મળ્યું કે દારૂના સેવન અને બ્લડ પ્રેશર વચ્ચે સીધો સંબંધ છે. જેટલું દારૂ વધુ પીવામાં આવે, તેટલું સિસ્ટોલિક બ્લડ પ્રેશર વધવાની સંભાવના વધી જાય છે.
સંશોધન મુજબ, દરરોજ આશરે 12 ગ્રામ આલ્કોહોલ લેતા લોકોમાં સિસ્ટોલિક બ્લડ પ્રેશર સરેરાશ 1.25 એમએમએચજી જેટલું વધ્યું હતું. જ્યારે દરરોજ લગભગ 48 ગ્રામ આલ્કોહોલ પીતા લોકોમાં આ વધારો સરેરાશ 4.9 એમએમએચજી સુધી નોંધાયો. પુરુષોમાં ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરમાં પણ સરેરાશ 3.1 એમએમએચજીનો વધારો જોવા મળ્યો.
અભ્યાસના મુખ્ય સંશોધક પ્રોફેસર માર્કો વિન્સેટીએ જણાવ્યું કે ઓછી માત્રામાં દારૂ પીવાથી કોઈ લાભકારક અસર જોવા મળી નથી. તેમના જણાવ્યા અનુસાર, “દારૂ ન પીનારાઓની સરખામણીમાં ઓછી માત્રામાં દારૂ પીતા લોકોમાં પણ બ્લડ પ્રેશર પર નકારાત્મક અસર જોવા મળી.”
નિષ્ણાતોનું કહેવું છે કે દારૂ ઉપરાંત અનિયમિત આહાર, ધૂમ્રપાન, વધેલું કોલેસ્ટ્રોલ, વ્યાયામનો અભાવ અને વધેલું વજન પણ હૃદયરોગના જોખમને વધારતા પરિબળો છે. તેથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવા માટે દારૂનું સેવન મર્યાદિત રાખવું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જરૂરી છે.




