પદ્મ પુરસ્કારોથી સન્માનિત થયા આર. માધવન, મમુટી અને અલકા યાજ્ઞિક



પદ્મ પુરસ્કારોથી સન્માનિત થયા આર. માધવન, મમુટી અને અલકા યાજ્ઞિક



રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ અભિનેતા આર. માધવન, મલયાલમ સુપરસ્ટાર મમ્મૂટી અને પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને આ સન્માન અર્પણ કર્યું.
પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા. આ અવસરે તેમણે ભારત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે સંગીત ક્ષેત્રમાં દાયકાઓ સુધીની તેમની સફર બાદ મળેલું આ સન્માન તેમના માટે ગૌરવ અને ભાવનાત્મક ક્ષણ સમાન છે. તેમણે ફિલ્મ નિર્માતાઓ, સંગીતકારો, ગીતકારો, સહગાયકો, ટેક્નિશિયનો, મીડિયા તેમજ પોતાના ચાહકોનો વિશેષ આભાર માન્યો.
અભિનેતા આર. માધવનને ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો. માધવને જણાવ્યું કે આ સન્માન તેમના સપનાઓથી પણ આગળનું છે અને તે પોતાના પરિવાર, ગુરુજનો, શુભેચ્છકો અને દર્શકોને સમર્પિત છે. તેમણે કહ્યું કે લોકોના પ્રેમ અને ઈશ્વરની કૃપા વિના આ સિદ્ધિ શક્ય નહોતી.
મલયાલમ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા મમ્મૂટીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમ્મૂટી અને તેમના પુત્ર તથા અભિનેતા દુલકર સલમાન સાથે મુલાકાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા.
મંગળવારે યોજાયેલા બીજા પદ્મ પુરસ્કાર સમારોહમાં કુલ 65 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 56 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. આ પહેલાં 26 મેના રોજ યોજાયેલા પ્રથમ સમારોહમાં 66 પ્રતિભાશાળી વ્યક્તિઓને પદ્મ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા.




