‘દીદી ડર ગઈ...’ મમતા બેનર્જીએ ઉમેદવારોને કહ્યું - નામાંકન કરતી વખતે સતર્ક રહેજો!



ફાઇલ તસવીર
‘દીદી ડર ગઈ...’ મમતા બેનર્જીએ ઉમેદવારોને કહ્યું - નામાંકન કરતી વખતે સતર્ક રહેજો!



ફાઇલ તસવીર
West Bengal Election 2026: ટીએમસીના વડા મમતા બેનર્જીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નવા અધિકારીઓને તેમના પક્ષના ઉમેદવારોના નામાંકન નકારવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમણે ટીએમસી ઉમેદવારોને ઉમેદવારી નોંધાવતી વખતે અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે. નોંધનીય છે કે, ચૂંટણીની જાહેરાત પછી બંગાળમાં મોટા પાયે વહીવટી ફેરબદલ થયા છે.
બીરભૂમ જિલ્લાના નાનૂરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું કે, ‘બધું બદલાઈ ગયું છે; અહીં એક નવું સેટઅપ છે. ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત નવા અધિકારીઓને તમારા નામાંકન રદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે, તેથી ફાઇલ કરતી વખતે સાવચેત રહો.’ તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે, પાર્ટી રાજકીય લાભ માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.
મુખ્યમંત્રીએ મહિલાઓને ખાસ કરીને ભાજપને મત ન આપવાની અપીલ કરતા કહ્યું કે, ‘ભાજપ મહિલા વિરોધી છે, તેથી જ SIRમાં ભૂલોને કાઢીને તેમના નામ કાઢી નાંખવામાં આવી રહ્યા છે.’ અગાઉ બુરવાનમાં બીજી એક રેલીમાં મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ ગ્રામીણ વિસ્તારોના લોકોને રોકડ આપવાના નામે બેંક ખાતા નંબર માગી રહી છે. તેમણે લોકોને આવી માહિતી શેર ન કરવાની સલાહ આપી હતી. 294 સભ્યોની રાજ્ય વિધાનસભા માટે ચૂંટણી 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે.
મમતા બેનર્જીએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર
તેઓ ખાસ કરીને SIR અંગે આક્રમક રહ્યા છે. તાજેતરમાં બેલડામાં એક રેલીમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચૂંટણી પૂરી થતાં જ ભાજપ ગેસ અને રોકડ આપવાનું બંધ કરી દેશે. મમતા બેનર્જીએ ભાજપ પર સમાજમાં ભાગલા પાડવાના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપ સમાજના વિવિધ વર્ગો વચ્ચે નફરત અને સંઘર્ષ પેદા કરી રહ્યું છે. મુખ્યમંત્રીના મતે ભાજપ આ તણાવપૂર્ણ પરિસ્થિતિનો લાભ લઈને દેશને લૂંટવા માગે છે. તેમણે લોકોને ભાજપ દ્વારા ગેરમાર્ગે ન જવા અપીલ કરી હતી. મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે, ભાજપ ફક્ત સત્તા માટે લોકોમાં સંઘર્ષ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે અને ચૂંટણી પછી વચનોથી ફરી જશે.




