ટ્વિશા શર્મા કેસ મામલે સુપ્રીમ કોર્ટનો સુઓમોટો, સોમવારે થશે સુનાવણી



ટ્વિશા શર્મા કેસ મામલે સુપ્રીમ કોર્ટનો સુઓમોટો, સોમવારે થશે સુનાવણી



Twisha Sharma Case: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના કટારા હિલ્સમાં થયેલા ટ્વિશા શર્માના મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો છે. આ કેસની સુનાવણી સોમવારે થશે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને સુનાવણી માટે તારીખ નક્કી કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરશે. બેન્ચમાં જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી પણ સામેલ થશે.
સુપ્રીમ કોર્ટ 25 મેના રોજ નિયુક્ત બેન્ય દ્વારા આ મામલાની સુનાવણી કરશે. આ મામલાની કોર્ટ દ્વારા સુઓમોટો લેવામાં આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
ઇન્ડિયા ટુડેએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી દ્વારા ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરાયેલી એક નોંધ મેળવી છે, જેમાં સુઓમોટો લેવાની પરવાનગી માગવામાં આવી છે. નોંધમાં જણાવાયું છે કે, મીડિયા રિપોર્ટ્સ અને અન્ય સંજોગોથી તપાસ પ્રભાવિત થવા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
નોંધમાં એ પણ ઉલ્લેખ છે કે, 33 વર્ષીય કોર્પોરેટ પ્રોફેશનલ અને ભૂતપૂર્વ અભિનેત્રી ટ્વિશા શર્માનું 12 મે, 2026ના રોજ ભોપાલમાં તેમના સાસરિયાના ઘરે અવસાન થયું હતું. મીડિયા અહેવાલો અને ત્યારબાદની ઘટનાઓના આધારે એવી છાપ ઉભી થઈ રહી છે કે, કથિત ન્યાયિક પ્રભાવને કારણે નિષ્પક્ષ તપાસ પ્રભાવિત થઈ હશે.
સાસરિયાઓ દ્વારા માનસિક ત્રાસ અને દહેજ માગવાના આરોપ
સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી દ્વારા રાખવામાં આવેલી એક નોંધમાં જણાવાયું છે કે, મૃતકની સાસુ નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ છે, જેના કારણે સંસ્થાકીય દમનના આરોપો ઉભા થયા છે. નોંધમાં માનસિક ત્રાસ, દહેજની માગણીઓ અને કથિત સંસ્થાકીય ઢાંકપીંડીનો પણ ઉલ્લેખ છે.
નોંધમાં મુખ્ય ન્યાયાધીશ પાસેથી નિર્દેશ માગવામાં આવ્યો હતો કે, શું કેસમાં તપાસની નિષ્પક્ષતા અને સંસ્થાકીય અખંડિતતા સંબંધિત મુદ્દાઓ પર સુઓમોટો લેવો જોઈએ. તેમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે, જો પરવાનગી આપવામાં આવે તો, સંવેદનશીલ કેસોમાં નિષ્પક્ષ તપાસની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે કેસને "સ્વતઃ રિટ પિટિશન (ક્રિમિનલ)" તરીકે નોંધવામાં આવે.
મૃતકના પરિવારે આ કેસમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરી છે. તેમનો એવો પણ આરોપ છે કે, સાસરિયાઓના ન્યાયતંત્ર સાથે નજીકના સંબંધો તપાસમાં અવરોધ લાવી શકે છે.
હાઈકોર્ટે બીજા પોસ્ટમોર્ટમ માટે સૂચનાઓ આપી હતી
આ મામલે મૃતકના પરિવારે હાઈકોર્ટનો પણ સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે અરજદારની ચિંતાઓને ગંભીરતાથી લીધી અને કહ્યું કે, કોઈપણ શંકા દૂર કરવા અને જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે બીજું પોસ્ટમોર્ટમ જરૂરી છે.




