ટ્વિશા શર્મા કેસમાં CBIની મોટી કાર્યવાહી, 6 કલાકની મેરેથોન પૂછપરછ બાદ સાસુ ગિરિબાલાની ધરપકડ



ટ્વિશા શર્મા કેસમાં CBIની મોટી કાર્યવાહી, 6 કલાકની મેરેથોન પૂછપરછ બાદ સાસુ ગિરિબાલાની ધરપકડ



Twisha Sharma Case: ટ્વિશા શર્મા મૃત્યુ કેસના સંદર્ભમાં સીબીઆઈની એક ટીમ અણધારી રીતે ભોપાલમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહના ઘરે પહોંચી ગઈ હતી. સીબીઆઈ છેલ્લા ત્રણ કલાકથી ગિરિબાલા સિંહની પૂછપરછ કરી રહી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટે ટ્વિશા શર્મા કેસમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહને આપવામાં આવેલા આગોતરા જામીન રદ કર્યા છે.
સીબીઆઈના અધિકારીઓ ગિરિબાલા સિંહના ઘરે ત્રણ કલાકથી હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘરનો ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ગિરિબાલા સિંહની પૂછપરછ કરવામાં આવી રહી છે. સવારે 10:30 વાગ્યાની આસપાસ સીબીઆઈના ત્રણ અધિકારીઓ ગિરિબાલા સિંહના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ગિરિબાલા સિંહના વકીલ, ઇનોશ જ્યોર્જ કાર્લો પણ ઘરે પહોંચ્યા છે, જ્યાં સીબીઆઈ અંદર હાજર છે.
સીબીઆઈ તપાસ કરવા માટે ભોપાલમાં એક કેમ્પ ઓફિસ બનાવશે. સીબીઆઈએ ભોપાલ પોલીસ કમિશનરને પત્ર લખીને જગ્યાની માગણી કરી છે. સીબીઆઈને એક ઓફિસ આપવામાં આવશે જ્યાં કેસ સંબંધિત પુરાવા અને દસ્તાવેજો સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાય.
સીબીઆઈએ કોર્ટમાં શું કહ્યું?
આ કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈએ હાઈકોર્ટમાં અનેક ગંભીર દાવા કર્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ટ્વિશા શર્માના શરીર પર ઈજાઓ હતી, પરંતુ તેના સાસરિયાઓ સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે, મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે, શરીરને ફાંસીમાંથી નીચે ઉતારતી વખતે આ ઈજાઓ થઈ ન હતી. તપાસ એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ગિરિબાલા સિંહે વીડિયોના પસંદગીના ભાગો સોશિયલ મીડિયા પર ફરતા કરીને પુરાવાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
વધુમાં, સીબીઆઈએ દાવો કર્યો હતો કે, વોટ્સએપ ચેટ્સ પરથી જાણવા મળ્યું છે કે ટ્વિશા ગર્ભવતી થયા પછી ગિરિબાલા સિંહ અને તેના પુત્ર સમર્થ સિંહ તેના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી હતી. ટ્વિશા પર ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને દહેજ માટે વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસમાં ગિરિબાલા સિંહની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.




