જામનગર પહોંચ્યો ટિફની ટ્રમ્પનો કાફલો, રિલાયન્સ વનતારાની મહેમાન બની અમેરિકાના રાષ્ટ્રપતિની પુત્રી



જામનગર પહોંચ્યો ટિફની ટ્રમ્પનો કાફલો, રિલાયન્સ વનતારાની મહેમાન બની અમેરિકાના રાષ્ટ્રપતિની પુત્રી



જામનગર: બે દિવસ અગાઉ નવી દિલ્હીની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ હવે જામનગર પહોંચી છે. તેમના સાથે પતિ માઈકલ બોલોસ પણ હાજર રહ્યા હતા. જામનગર એરપોર્ટ પર તેમના આગમનને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ રિલાયન્સના વિશ્વવિખ્યાત વનતારા પ્રોજેક્ટના મહેમાન બન્યા હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટ પરથી નીકળ્યા બાદ જામનગર પોલીસના ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત વચ્ચે તેમનો કાફલો સીધો રિલાયન્સ વનતારા તરફ રવાના થયો હતો.
વિદેશી મહાનુભાવોની મુલાકાતને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી લઈને સમગ્ર રૂટ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.
ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસની જામનગર મુલાકાતને લઈને શહેરમાં પણ ખાસ ચર્ચા જોવા મળી રહી છે. રિલાયન્સના વનતારા પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન તેઓ ત્યાંની વિવિધ સુવિધાઓ અને વન્યજીવ સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓની માહિતી મેળવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




