સુરતમાં ₹2.14 કરોડથી વધુની છેતરપિંડીનો મુખ્ય આરોપી ચાર વર્ષ બાદ કોલકાતાથી ઝડપાયો



સુરતમાં ₹2.14 કરોડથી વધુની છેતરપિંડીનો મુખ્ય આરોપી ચાર વર્ષ બાદ કોલકાતાથી ઝડપાયો



Surat Crime News: સુરત શહેરમાં વર્ષ 2022 દરમિયાન નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ચાર ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રહેલો મુખ્ય આરોપી ક્રાઇમ બ્રાંચે કોલકાતાથી ઝડપી પાડ્યો છે. આરોપી મુકેશ સુરેશ અગ્રવાલ સામે ખટોદરા, પાંડેસરા અને પુણા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા હતા.
તપાસમાં ખુલ્યું છે કે, આરોપીએ “શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ” અને “શ્રી રાજઘરાણા ઇમ્પેક્સ” નામની ફર્મો ઉભી કરીને વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં તેણે વેપારીઓ પાસેથી આશરે રૂ. 2.14 કરોડથી વધુ કિંમતની સાડીઓ ખરીદી પેમેન્ટ કર્યા વિના ફરાર થઈ ગયો હતો.
આરોપી ધરપકડથી બચવા માટે સતત પોતાનું રહેઠાણ અને મોબાઇલ નંબર બદલતો રહ્યો હતો. જો કે, ખાનગી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ કોલકાતા પહોંચી અને સફળ ઓપરેશન હાથ ધરી આરોપીને પકડી પાડ્યો હતો.
હાલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ ચાલી રહી છે. ચાર વર્ષ બાદ મુખ્ય આરોપીની ધરપકડ થતાં પીડિત વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.




