ગુરુગ્રામ દુષ્કર્મ કેસ મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યુ - હરિયાણા પોલીસની શરમજનક કાર્યવાહી...



ગુરુગ્રામ દુષ્કર્મ કેસ મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યુ - હરિયાણા પોલીસની શરમજનક કાર્યવાહી...



Supreme Court: હરિયાણામાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર મામલે અસંવેદનશીલ અભિગમ દર્શાવતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હરિયાણા પોલીસ અને બાળ કલ્યાણ સમિતિને ઠપકો આપતા કોર્ટે કહ્યું કે, ‘શરમજનક વાત છે કે હરિયાણા પોલીસે ત્રણ વર્ષની બળાત્કાર પીડિતાને વ્યક્તિગત રીતે મળવાને બદલે પોલીસ સ્ટેશન બોલાવી.’
સુપ્રીમ કોર્ટે તપાસ માટે SITની રચના કરી
ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં ગુનાને ઓછો આંકવામાં આવ્યો હોવાની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે.
સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરી છે, જેમાં હરિયાણા કેડરના IPS અધિકારીઓનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને વહેલી તકે SITને સૂચિત કરવાનો નિર્દેશ આપ્યો છે અને ગુરુગ્રામ પોલીસને ગુરુવાર સુધીમાં તપાસ સંબંધિત દસ્તાવેજો SITને સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
બાળ કલ્યાણ સમિતિને કારણદર્શક નોટિસ જાહેર
સુપ્રીમ કોર્ટે ગુરુગ્રામ પોલીસના જવાબદાર અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમના પર કેસની તપાસમાં બેદરકારીનો આરોપ છે. નોટિસમાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે, તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ગુરુગ્રામ બાળ કલ્યાણ સમિતિના સભ્યોને પણ કારણદર્શક નોટિસ જાહેર કરીને તેમનો જવાબ માંગ્યો છે. બાળ કલ્યાણ સમિતિના સભ્યોને પૂછવામાં આવ્યું છે કે, તેમને તેમના પદ પરથી કેમ ન હટાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ગુરુગ્રામના જિલ્લા ન્યાયાધીશને આ કેસની સુનાવણી POCSO કોર્ટના વરિષ્ઠ મહિલા ન્યાયિક અધિકારીને સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
અગાઉ 23 માર્ચે પણ સુપ્રીમ કોર્ટે આ મામલે પોલીસને ઠપકો આપ્યો હતો. 23 માર્ચે પોલીસે હરિયાણાના ડીજીપીને નોટિસ ફટકારી હતી અને ગુરુગ્રામના પોલીસ કમિશનર અને કેસની તપાસ કરી રહેલા અધિકારીને 25 માર્ચે તમામ દસ્તાવેજો સાથે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ પંચોલીની બનેલી બેન્ચે છોકરીના માતા-પિતા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે આ નિર્દેશો આપ્યા હતા. અરજીમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી અને હરિયાણા પોલીસની તપાસ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.




