જાણીતા બંધારણ વિશેષજ્ઞ ડો. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ



જાણીતા બંધારણ વિશેષજ્ઞ ડો. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ



Subhash Kashyap: દેશના જાણીતા બંધારણ વિશેષજ્ઞ અને પૂર્વ લોકસભાના મહાસચિવ ડો. સુભાષ કશ્યપનું નિધન થઈ ગયું છે. તેમના નિવાસસ્થાને 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. મળતી માહિતી પ્રમાણે, ડો. સુભાષ કશ્યપનું નિધન કાર્ડિયો-પલ્મોનરી અરેસ્ટને કારણે થયું છે.
સુભાષ કશ્યપનો જન્મ 10 મે, 1929ના રોજ થયો હતો. તેમણે ભારતીય સંસદમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમણે 1984થી 1990 સુધી 7મી, 8મી અને 9મી લોકસભાના મહાસચિવ તરીકે સેવા આપી હતી.
ડૉ. સુભાષ કશ્યપે 1953માં સંસદ સચિવાલયમાં કારકિર્દીની શરૂઆત કરી હતી અને લગભગ 37 વર્ષ સુધી સંસદ સાથે જોડાયેલા રહ્યા. તેમને ભારતીય બંધારણ, સંસદીય પ્રક્રિયા અને બંધારણીય કાયદાના અગ્રણી અધિકારી માનવામાં આવતા હતા. તેઓ જીનીવા સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પાર્લામેન્ટરી ડોક્યુમેન્ટેશનના (IPU) પણ વડા હતા.
સુભાષ કશ્યપ ભારત સરકારના પંચાયતી રાજ કાયદા અને સંસ્થાઓ પર માનદ બંધારણીય સલાહકાર પણ હતા. તેમણે બંધારણની કામગીરીની સમીક્ષા કરવા માટેના રાષ્ટ્રીય આયોગના સભ્ય અને તેની મુસદ્દા અને સંપાદકીય સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. સુભાષ કશ્યપને જાહેર બાબતોમાં તેમના યોગદાન બદલ 2015માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે લાંબા સમય સુધી ભારતીય રાષ્ટ્રીય બાર એસોસિએશનના (INBA) પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.




