સાપુતારામાં આજથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી ચાલશે ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ


સાપુતારામાં આજથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી ચાલશે ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ


ગુજરાતના લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારામાં આજથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. 8થી 29 ઓગસ્ટ સુધી યોજાનારા આ મોન્સૂન ફેસ્ટિવલમાં ચોમાસાની કુદરતી સુંદરતા સાથે આદિવાસી સંસ્કૃતિ, સાહસ અને પ્રવાસન પ્રવૃત્તિઓનો અનોખો સંગમ જોવા મળશે.
વાદળો, ધુમ્મસ, ઝરણાં અને લીલીછમ પ્રકૃતિ વચ્ચે સાપુતારા પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. પર્વ દરમિયાન ડાંગી આદિવાસી લોકનૃત્ય, લોકસંગીત અને પરંપરાગત કલાઓની વિવિધ રજૂઆતો યોજાશે. સાથે જ યુવા કલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે પણ મંચ મળશે.
મેઘ મલ્હાર પર્વમાં હસ્તકલા, સ્થાનિક વ્યંજનો અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતા વિવિધ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રવાસીઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પ્રવાસન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પર્વ સ્થાનિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે. સાપુતારા અને આસપાસના વિસ્તારોના સ્થાનિક વેપારીઓ, હોટેલ-રિસોર્ટ સંચાલકો, હોમસ્ટે, કારીગરો અને યુવાનોને રોજગારી તથા આવકની નવી તકો મળશે.
આ સાથે પ્રવાસીઓને પ્રકૃતિ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત પર્યટનનો સંદેશ પણ આપવામાં આવશે. છેલ્લા 18 વર્ષથી સતત યોજાતો ‘મેઘ મલ્હાર પર્વ’ હવે ગુજરાતના જાણીતા મોન્સૂન ઉત્સવોમાં સ્થાન મેળવી ચૂક્યો છે. ચોમાસાની ઋતુમાં સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ ફેસ્ટિવલ વિશેષ અનુભવ બની રહેશે.






