રિલાયન્સનું ‘મિશન યુનિફોર્મ’: જામનગર-જૂનાગઢની 63 શાળાના 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા ‘મિશન યુનિફોર્મ’નો આ વર્ષનો પ્રારંભ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO) સુશ્રી નિશાબેનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર અને જૂનાગઢ જિલ્લાની કુલ 63 સરકારી પ્રાથમિક શાળાના આશરે 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશનો લાભ મળ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 10 Aug 2026 05:19 PM IST
રિલાયન્સનું ‘મિશન યુનિફોર્મ’: જામનગર-જૂનાગઢની 63 શાળાના 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણરિલાયન્સનું ‘મિશન યુનિફોર્મ’: જામનગર-જૂનાગઢની 63 શાળાના 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા ‘મિશન યુનિફોર્મ’નો આ વર્ષનો પ્રારંભ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO) સુશ્રી નિશાબેનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર અને જૂનાગઢ જિલ્લાની કુલ 63 સરકારી પ્રાથમિક શાળાના આશરે 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશનો લાભ મળ્યો છે.

મોટી ખાવડીથી શરૂ થયેલી પહેલ આજે 63 શાળા સુધી પહોંચી: 

મોટી ખાવડીની સરકારી પ્રાથમિક કન્યા-કુમાર શાળામાં વિદ્યાર્થીઓને પ્રતીકાત્મક રીતે ગણવેશ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે DDO સુશ્રી નિશાબેને શિક્ષણ અને મહિલા સશક્તિકરણને એકસાથે પ્રોત્સાહન આપતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ પહેલને પ્રેરણાદાયી અને અનુકરણીય ગણાવી હતી.

તેમણે જણાવ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાંચ વર્ષ અગાઉ 140 ગ્રામીણ મહિલાઓને સીવણની વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ મહિલાઓને ગણવેશ સીવવાનું કામ આપવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્કામાં મોટી ખાવડીની સરકારી કન્યા શાળાની આશરે 400 વિદ્યાર્થિનીઓ માટે યુનિફોર્મ તૈયાર કરવામાં આવ્યા હતા.

સમય જતાં આ પહેલનો વ્યાપ સતત વધ્યો છે અને હવે તે જામનગર તથા જૂનાગઢ જિલ્લાના 63 સરકારી પ્રાથમિક શાળાના 11 હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે.

140 મહિલાઓને તાલીમ, રોજગાર અને આત્મનિર્ભરતા: 

‘મિશન યુનિફોર્મ’ની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને ગણવેશનો લાભ આપવા સાથે ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય વિકાસ અને રોજગારીની તક પણ મળે છે. તાલીમ મેળવી રહેલી મહિલાઓ ગણવેશ તૈયાર કરીને આવક મેળવી રહી છે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે.

DDOએ જણાવ્યું હતું કે આ પહેલની સફળતા પાછળ મહિલાઓની મહેનત ઉપરાંત તેમના પરિવારજનોનો સહયોગ અને વિશ્વાસ પણ મહત્વપૂર્ણ રહ્યો છે. પરિવારના પ્રોત્સાહનને કારણે મહિલાઓ આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકી છે.

વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા: 

કાર્યક્રમ દરમિયાન DDOએ વિદ્યાર્થીઓને નિયમિત શાળામાં હાજરી આપવા, ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરવા સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી.

ખાસ કરીને દીકરીઓને અભ્યાસ અધવચ્ચે ન છોડીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

શિક્ષણ અને મહિલા સશક્તિકરણનું મોડેલ: 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ‘મિશન યુનિફોર્મ’ પહેલ હવે માત્ર શાળા ગણવેશ વિતરણ પૂરતી મર્યાદિત રહી નથી. આ પહેલ દ્વારા ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય વિકાસ, રોજગારી અને આત્મનિર્ભરતા સાથે જોડવામાં આવી રહી છે.

આ રીતે એક તરફ 63 સરકારી શાળાના હજારો વિદ્યાર્થીઓને ગણવેશનો લાભ મળી રહ્યો છે, તો બીજી તરફ 140 ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય આધારિત રોજગારીની તક મળી રહી છે. શિક્ષણ અને મહિલા સશક્તિકરણને એકસાથે આગળ ધપાવતી આ પહેલ સામાજિક વિકાસનું નોંધપાત્ર ઉદાહરણ બની રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.