વૈશ્વિક અસ્થિરતા વચ્ચે RBI જૂનમાં રેપો રેટ યથાવત્ રાખે તેવી શક્યતા



વૈશ્વિક અસ્થિરતા વચ્ચે RBI જૂનમાં રેપો રેટ યથાવત્ રાખે તેવી શક્યતા



RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) 3થી 5 જૂન દરમિયાન યોજાનારી તેની ત્રણ દિવસીય બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરે તેવી શક્યતા છે. વૈશ્વિક સ્તરે વધતી અનિશ્ચિતતા અને તેની મોંઘવારી તથા આર્થિક વૃદ્ધિ પર થતી અસરને કારણે આરબીઆઈ સાવચેત વલણ જાળવી શકે છે.
બજાર નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, જૂનની MPC બેઠકમાં આરબીઆઈ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વિકાસક્રમો તેમજ કોમોડિટી કિંમતો, સપ્લાય ચેઇન અને નાણાકીય બજારો પર તેના પ્રભાવ પર નજીકથી નજર રાખશે અને ત્યારબાદ જ કોઈ નીતિગત નિર્ણય લેશે.
ત્રણ દિવસીય MPC બેઠકના નિર્ણયો અંગેની જાહેરાત RBI ગવર્નર સંજય મલ્હોત્રા 5 જૂને કરશે. એપ્રિલમાં યોજાયેલી અગાઉની બેઠકમાં પણ કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. તેનું મુખ્ય કારણ ભૂરાજકીય તણાવને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા અને તેની મોંઘવારી તથા વિકાસની સંભાવનાઓ પર થતી અસર હતી.
જોકે વ્યાજદરમાં હાલ કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે. કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, RBI તેના વ્યાપક આર્થિક અંદાજોમાં સુધારો કરી શકે છે. કાચા તેલની વધતી કિંમતો, સપ્લાય ચેઇનમાં સતત વિક્ષેપ અને બાહ્ય પરિબળોને કારણે રૂપિયામાં પડતું દબાણ RBIને ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીના અંદાજમાં વધારો કરવા અને GDP વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરવા મજબૂર કરી શકે છે.
SBI રિસર્ચની તાજેતરની રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે અસ્થિર પરિસ્થિતિ વચ્ચે RBI હાલની નીતિગત વ્યાજદર યથાવત રાખી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, મોંઘવારીના વલણને જોતા આગામી ત્રણ ત્રિમાસિક ગાળામાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી 5 ટકા કરતાં ઉપર રહી શકે છે. જો કે, ચાલુ ત્રિમાસિક ગાળામાં મોંઘવારી 4થી 4.1 ટકા વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ આશરે 7.2 ટકા રહેવાની શક્યતા છે. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2026 માટે આર્થિક વૃદ્ધિ દર 7.5 ટકા રહેવાનો અંદાજ છે. જો કે, રિપોર્ટમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે, લાંબા સમય સુધી ચાલતી ભૂરાજકીય અનિશ્ચિતતાઓ આ અંદાજોને અસર કરી શકે છે અને નવા આંકડાઓના આધારે તેમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.
નાણાકીય વર્ષ 2027 માટે SBI રિસર્ચે GDP વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક આર્થિક અને ભૂરાજકીય પરિસ્થિતિઓમાં થતા ફેરફારોના આધારે આ અંદાજોમાં પણ સુધારો થઈ શકે છે.
રિપોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે, RBIએ હાલ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા વગર આંકડા આધારિત અભિગમ જાળવી રાખવો જોઈએ. જો મોંઘવારીનું દબાણ વધે તો RBI પાસે ‘ઓપરેશન ટ્વિસ્ટ’ જેવા વૈકલ્પિક નીતિગત ઉપાયો ઉપલબ્ધ છે, જે બેન્ચમાર્ક વ્યાજદરોમાં ફેરફાર કર્યા વગર બજારની સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ બની શકે છે.




