રાજ્યસભા માટે યોગેશ ગઢવીનું નામ ચર્ચામાં, દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત



રાજ્યસભા માટે યોગેશ ગઢવીનું નામ ચર્ચામાં, દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત



Yogesh Gadhavi: રાજ્યસભાની સંભવિત ઉમેદવારીને લઈને લોક કલાકાર યોગેશ ગઢવીનું નામ હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, યોગેશ ગઢવી દિલ્હીમાં સક્રિય લોબિંગ કરી રહ્યા છે અને વિવિધ રાજકીય નેતાઓ સાથે મુલાકાતો પણ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે તાજેતરમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે બેઠક કરી હોવાનું જાણવા મળે છે. આ મુલાકાતો દરમિયાન રાજ્યસભાની ઉમેદવારી સહિત વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ યોગેશ ગઢવીનું નામ ચર્ચામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે.
18મી જૂને રાજ્યસભા બેઠકો પર મતદાન
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં ઉમેદવારી નોંધાવવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જૂને મતદાન યોજાશે, જેના પરિણામે રાજ્યસભાના નવા સભ્યોની પસંદગી થશે.
જાણો શું છે ચૂંટણીનો કાર્યક્રમ?
ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારો 8 જૂન સુધી પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. ત્યારબાદ 9 જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. જો જરૂરી બનશે તો 18 જૂને મતદાન યોજાશે અને ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.




