CM Bhupendra Patel નો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, અરવલ્લીની 29 આશ્રમશાળાઓ અને અનુદાનિત છાત્રાલયો-માધ્યમિક શાળાઓ આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે


આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે ગુજરાત સરકારે અરવલ્લી જિલ્લામાં મહત્વનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના’ હેઠળ આદિજાતિ જિલ્લા અરવલ્લીમાં આવેલી આશ્રમશાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં વિવિધ સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. કે રૂ. 1.50 કરોડની વહીવટી મંજૂરી આપી.

આ માતબર રકમમાંથી વિદ્યાર્થીઓની રહેણાંક, શૈક્ષણિક અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ આવશ્યક સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આશ્રમશાળા અને છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બંક બેડ અને ગાદલાની વ્યવસ્થા રહેણાંક સુવિધાને વધુ સુદૃઢ બનાવશે. વર્ગખંડોમાં જરૂરી બેન્ચીસ ઉપલબ્ધ થવાથી અભ્યાસ માટે વધુ યોગ્ય વાતાવરણ ઊભું થશે. છાત્રાલયોની દૈનિક વ્યવસ્થામાં વૉશિંગ મશીન ખૂબ ઉપયોગી બનશે, જ્યારે RO સિસ્ટમથી વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ સુવિધા મળશે.

મુખ્યમંત્રીનાં માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના નેતૃત્વ હેઠળ કરાયેલા આ નિર્ણયથી અરવલ્લી જિલ્લાની 29 જેટલી આશ્રમશાળાઓ, અનુદાનિત છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી થશે અને અંદાજે 4922 વિદ્યાર્થીઓને સુંદર શૈક્ષણિક અને આવાસીય સુવિધાઓનો લાભ મળશે.

રાજ્ય સરકારનો આ અભિગમ દર્શાવે છે કે આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે માત્ર નાણાં ફાળવવા પૂરતું જ નહીં, પરંતુ આયોજન, ટેકનિકલ મંજૂરી, વહીવટી મંજૂરી અને ગુણવત્તાયુક્ત અમલીકરણ; આ તમામ તબક્કાઓને સુવ્યવસ્થિત રીતે આગળ ધપાવવામાં આવી રહ્યા છે.

આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા માત્ર અભ્યાસનું સ્થળ નથી, પણ તેમનું દૈનિક જીવન અને રહેઠાણ પણ શિક્ષણ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તેથી તેમને સારી રહેણાંક સુવિધા, સ્વચ્છ પાણી, જરૂરી ફર્નિચર અને દૈનિક ઉપયોગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી તેમના શૈક્ષણિક અનુભવમાં પણ હકારાત્મક પરિવર્તન આવશે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



