ઓપરેશન મ્યુલ હંટ 2.0: પાટણ પોલીસની મોટી કાર્યવાહી, 8 આરોપીની ધરપકડ



ઓપરેશન મ્યુલ હંટ 2.0: પાટણ પોલીસની મોટી કાર્યવાહી, 8 આરોપીની ધરપકડ



Patan Police: પાટણ પોલીસને ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. સાયબર ફ્રોડના કેસોમાં ઉપયોગમાં લેવાયેલા બેન્ક એકાઉન્ટ્સ અને ગેરકાયદે નાણાકીય વ્યવહારોની તપાસ દરમિયાન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, 139 NCCRP (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ) પર નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદો સાથે સંકળાયેલા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન અંદાજે ₹16.65 કરોડના ગેરકાયદે બેન્કિંગ વ્યવહારોનો પર્દાફાશ થયો છે.
કેસની તપાસમાં બેન્ક એકાઉન્ટ ખોલી સાયબર ઠગાઈના નેટવર્કને મદદ કરનારા કુલ 16 આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાંથી પાટણ પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે બાકીના 8 આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન સાયબર ફ્રોડના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે મહત્વની વિગતો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ પોલીસની આ કાર્યવાહી સાયબર ગુનાઓ સામેની લડતમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.




