લોકલ ગાઇડ 26 નિર્દોષનો જીવ બચાવી શકતા હતા! પહલગામ હુમલાની ચાર્જશીટમાં ખુલાસો



લોકલ ગાઇડ 26 નિર્દોષનો જીવ બચાવી શકતા હતા! પહલગામ હુમલાની ચાર્જશીટમાં ખુલાસો



Pahalgam Attack: કાશ્મીરના ફેમસ ટુરિસ્ટ સ્પોટ પહલગામમાં થયેલા હૃદયદ્રાવક આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. એક ખાનગી ચેનલના અહેવાલમાં આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પહલગામ હુમલાના કેસની ચાર્જશીટ સામે આવી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ ચાર્જશીટમાંથી સામે આવ્યું છે કે, ખીણમાં પ્રવાસીઓના પૈસે રોજીરોટી કમાતા બે સ્થાનિક ગાઇડ પરવેઝ અને બશીર અહમદ ઇચ્છતા તો 26 લોકોનો જીવ બચાવી શકતા હતા. પરંતુ બંનેના મૌન અને આતંકીઓને કરવામાં આવેલી લોકલ મદદે કાશ્મીરના ઇતિહાસમાં સૌથી મોટા આતંકી હુમલામાંથી એકની સ્ક્રિપ્ટ લખી નાંખી હતી.
ચાર્જશીટ પ્રમાણે, હુમલાના એક દિવસ પહેલાં એટલે કે 21 એપ્રિલ, 2025ના દિવસે ત્રણ આતંકી ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન, હબીબ તાહિર ઉર્ફે છોટૂ અને હમઝા અફઘાની પહલગામ વિસ્તારમાં ફરી રહ્યા હતા. ત્રણેય આતંકીઓએ સ્થાનિક લોકો સાથે સંપર્ક કર્યો હતો અને તેમને સુરક્ષિત સ્થાન આપવાની માગ કરી હતી.
ઝૂંપડીમાં આતંકીઓની મહેમાનગતિ
NIAને આપેલા નિવેદનમાં બશીર અહમદે જણાવ્યુ હતુ કે, તેણે ત્રણેય આતંકીઓને જોયા હતા. આતંકીઓએ તેને કહ્યુ હતુ કે, તેમને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવે. ત્યારબાદ બશીરે તેમને એક ઝાડ નીચે ઊભા રહેવા જણાવ્યું અને પરવેઝની ઝૂંપડી એટલે કે ઢોંક સુધી પહોંચ્યો અને પરવેઝ અને તેની પત્નીને ચૂપ રહેવા કહ્યું.
સાંજે અંદાજે પાંચ વાગતા બશીર ઇશારો કરીને ત્રણેય આતંકીઓને પરવેઝની ઝૂંપડીમાં લઈ જાય છે. ચાર્જશીટ પ્રમાણે, આતંકીઓના હાથમાં હથિયાર અને તેમના બેગ હતા. તેમાં પણ હથિયાર ભરેલા હતા. તેઓ ઉર્દૂમાં વાતો કરી રહ્યા હતા, પરંતુ તેમનો ટોન પંજાબી હતો. બશીરની પૂછપરછમાં તેણે જણાવ્યુ હતુ કે, તે ચહેરા જોઈને જ આતંકીઓને ઓળખી ગયો હતો.
આતંકીઓ ખૂબ થાકી ગયા છે અને તરસ્યા છે તેમ કહીને અલ્લાહના નામે મદદ માગી હતી. ત્યારબાદ પરવેઝ અને બશીરે તેમને પાણી પીવડાવ્યું હતું. આ સાથે ચા-નાસ્તો પણ કરાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, ત્રણેય આતંકીઓ અંદાજે પાંચ કલાક સુધી ઝૂંપડીમાં રોકાયા હતા અને આ દરમિયાન તેમની અને પરવેઝ-બશીર વચ્ચે લાંબી ચર્ચા પણ થઈ હતી.
ચાર્જશીટ પ્રમાણે, આતંકીઓને અમરનાથ યાત્રા, પહલગામમાં સુરક્ષા દળોના કેમ્પ, ફોર્સની મૂવમેન્ટ અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલી જાણકારી મેળવી હતી. NIAનું કહેવું છે કે, પરવેઝ અને બશીરને આ વાતની જાણકારી હતી કે તેઓ આતંકીઓની મદદ કરી રહ્યા છે.




