Get News Alerts

Never miss breaking news updates.

Indian Cricket: ભારતીય ક્રિકેટના પિતામહ રણજીતસિંહજી, વિરોધ છતાં ઇંગ્લેન્ડ માટે રમ્યા, ડેબ્યૂ ટેસ્ટમાં રચ્યો અનોખો રેકોર્ડ

Indian Cricket: આજે ક્રિકેટ ભારતની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ભારતમાં ક્રિકેટનો વિસ્તાર મુખ્યત્વે રાજઘરાનાં અને તેમના સંપર્કમાં રહેલા લોકો સુધી જ મર્યાદિત હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 09 Sep 2026 12:42 PM IST
Indian Cricket: ભારતીય ક્રિકેટના પિતામહ રણજીતસિંહજી, વિરોધ છતાં ઇંગ્લેન્ડ માટે રમ્યા, ડેબ્યૂ ટેસ્ટમાં રચ્યો અનોખો રેકોર્ડIndian Cricket: ભારતીય ક્રિકેટના પિતામહ રણજીતસિંહજી, વિરોધ છતાં ઇંગ્લેન્ડ માટે રમ્યા, ડેબ્યૂ ટેસ્ટમાં રચ્યો અનોખો રેકોર્ડ

Indian Cricket

Indian Cricket: આજે ક્રિકેટ ભારતની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ભારતમાં ક્રિકેટનો વિસ્તાર મુખ્યત્વે રાજઘરાનાં અને તેમના સંપર્કમાં રહેલા લોકો સુધી જ મર્યાદિત હતો. ભારતમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં અનેક રાજવીઓનું યોગદાન રહ્યું છે, જેમાં જામનગરના મહારાજા કુમાર રણજીતસિંહજીનું નામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને ભારતીય ક્રિકેટના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. 10 સપ્ટેમ્બર 1872ના રોજ ગુજરાતના કાઠિયાવાડના સરોદર ગામમાં જન્મેલા રણજીતસિંહજીનું ક્રિકેટમાં યોગદાન આજે પણ યાદ કરવામાં આવે છે.

રાજઘરાનામાંથી ક્રિકેટના મેદાન સુધી

રણજીતસિંહજીને રણજી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ભારતમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓ માત્ર 16 વર્ષની ઉંમરે અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. વિદ્યાર્થી જીવન દરમિયાન તેઓ ક્રિકેટ ઉપરાંત ફૂટબોલ અને ટેનિસ પણ રમતા હતા, પરંતુ ક્રિકેટમાં તેમની પ્રતિભાએ તેમને વિશ્વભરમાં ઓળખ અપાવી.

કાંડામાં હતો જાદુ, બેટિંગથી બનાવી અલગ ઓળખ

રણજી એક અસાધારણ બેટ્સમેન હતા. તેમની બેટિંગમાં સૌથી મોટી ખાસિયત તેમની કાંડાની કળા હતી. તેમણે ક્રિકેટમાં અનેક આકર્ષક શોટ્સને લોકપ્રિય બનાવ્યા, જેમાં લેગ ગ્લાન્સ સહિતના ઓન-સાઇડ શોટ્સનો સમાવેશ થાય છે. તેઓ એવા શોટ રમતા કે બોલર અને વિરોધી ટીમને પણ તેની અપેક્ષા ન હોય.

વિરોધ છતાં ઇંગ્લેન્ડની ટીમમાં મળ્યું સ્થાન

રણજીતસિંહજી જ્યારે 1896માં ઇંગ્લેન્ડની ટીમમાં પસંદ થયા ત્યારે ભારે ચર્ચા અને વિરોધ થયો હતો. કારણ કે તેમનો જન્મ ભારતમાં થયો હતો અને તે સમયે ભારત પર બ્રિટિશ શાસન હતું. તેમ છતાં તેમની શાનદાર પ્રતિભાના કારણે તેઓ ઇંગ્લેન્ડની ટીમમાં સ્થાન મેળવનારા એશિયન મૂળના પ્રથમ ક્રિકેટર બન્યા.

ડેબ્યૂ ટેસ્ટમાં જ રચ્યો ઇતિહાસ

1896માં મેનચેસ્ટરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં રણજીએ પ્રથમ ઇનિંગ્સમાં 62 રન અને બીજી ઇનિંગ્સમાં નોટઆઉટ 154 રન બનાવ્યા હતા. આ સાથે તેઓ ટેસ્ટ ડેબ્યૂની પ્રથમ ઇનિંગ્સમાં અર્ધસદી અને બીજી ઇનિંગ્સમાં સદી ફટકારનારા વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા હતા. પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને નોટઆઉટ રહેનારા પ્રથમ ખેલાડી બનવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયો.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ જોરદાર પ્રદર્શન

1897માં ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગઈ ત્યારે સિડનીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રણજીએ સાતમા ક્રમે બેટિંગ કરીને 175 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ખાસ વાત એ હતી કે આ મેચ પહેલાં તેઓ બીમાર હતા અને નબળાઈ હોવા છતાં ટીમ માટે મેદાનમાં ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેઓ ઇંગ્લેન્ડના સૌથી સફળ બેટ્સમેન રહ્યા અને 60.89ની સરેરાશથી 1,157 રન બનાવ્યા.

રણજીના આંકડા આજે પણ યાદગાર

1895થી સતત 10 સીઝન સુધી તેમણે 1,000થી વધુ રન બનાવ્યા હતા. 1899 અને 1900ની સીઝનમાં તો તેમણે 3,000થી વધુ રનનો આંકડો પાર કર્યો હતો. ટેસ્ટ કારકિર્દીમાં રણજીએ 15 ટેસ્ટની 26 ઇનિંગ્સમાં 44.95ની સરેરાશથી 989 રન બનાવ્યા. જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 307 મેચમાં 56.37ની સરેરાશથી 24,092 રન, જેમાં 72 સદી અને 109 અર્ધસદીનો સમાવેશ થાય છે, બનાવ્યા હતા.

નામ પરથી શરૂ થઈ રણજી ટ્રોફી

1904માં રણજીતસિંહજી ભારત પરત ફર્યા બાદ ક્રિકેટના વિકાસ અને વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારા ભારતની ધરતી પર જન્મેલા પ્રથમ ખેલાડી તરીકે પણ તેમનું વિશેષ સ્થાન છે. તેમના સન્માનમાં 1934માં રણજી ટ્રોફીની શરૂઆત કરવામાં આવી હતી. આજે રણજી ટ્રોફી ભારતીય ઘરેલુ ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની એક છે.

Wisdenએ પણ માન્યો પ્રતિભાનો લોખંડી પુરાવો

ક્રિકેટની પ્રતિષ્ઠિત મેગેઝિન Wisden એ પણ રણજીની પ્રતિભાને બિરદાવી હતી અને 1897માં તેમને “Cricketer of the Year” તરીકે સન્માનિત કર્યા હતા. 2 એપ્રિલ 1933ના રોજ જામનગરમાં 60 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. જોકે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં રણજીતસિંહજીનું નામ આજે પણ એક સદી જૂની પ્રેરણારૂપ ગાથા તરીકે જીવંત છે.

આ પણ વાંચો : Delhi Holiday: 11 સપ્ટેમ્બરે સરકારી કચેરીઓમાં રજા, BRICS સમિટને કારણે લેવાયો મોટો નિર્ણય

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.