Russia Ukraine War: યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ રશિયાએ યુક્રેનના ઊર્જા ક્ષેત્ર પર 76 વખત કર્યા હુમલા, રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કર્યો દાવો


Russia Ukraine War
Russia Ukraine War: યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ રશિયાએ યુક્રેનના ઊર્જા ક્ષેત્ર પર 76 વખત કર્યા હુમલા, રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કર્યો દાવો


Russia Ukraine War
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તણાવ યથાવત્ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે ઊર્જા ક્ષેત્રમાં યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ પણ રશિયાએ યુક્રેનના ઊર્જા, તેલ અને ગેસ ક્ષેત્રો પર 76 વખત હુમલા કર્યા છે. શનિવારે રાત્રે થયેલા હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ઊર્જા ક્ષેત્રમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવ્યા બાદ પણ રશિયાના હુમલા અટક્યા નથી. ઝાઈટોમિર, ખમેલનિત્સ્કી અને ઓડેસા વિસ્તારોમાં વીજળીના સબસ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
હજારો પરિવારો વીજળી વગરના
રશિયાના હુમલાઓને કારણે યુક્રેનના હજારો પરિવારો વીજળી વિના રહેવા મજબૂર બન્યા છે. વીજળી કર્મચારીઓ અને સમારકામ ટીમો લગભગ 24 કલાક કામ કરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. રશિયાએ અનેક વિસ્તારોમાં રહેણાક ઈમારતો પર પણ હુમલા કર્યા હોવાનો ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો. રવિવારે સવારે યુક્રેનના વોલિન વિસ્તારમાં આવેલા એક કૃષિ ઉદ્યોગને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે જરૂરી રાહત અને બચાવ સેવાઓ કાર્યરત કરવામાં આવી હતી.
એક સપ્તાહમાં હજારો ડ્રોન અને મિસાઈલોનો મારો
ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં રશિયાએ યુક્રેન પર આશરે 2,700 હુમલાખોર ડ્રોન, 1,700 હવાઈ બોમ્બ અને 66 મિસાઈલો છોડ્યા હતા. તેમના દાવા પ્રમાણે, આ હુમલાઓનો મુખ્ય હેતુ યુક્રેનના ઊર્જા માળખાને નુકસાન પહોંચાડવાનો અને વીજ પુરવઠો ખોરવવાનો હતો. ઝેલેન્સ્કીએ અમેરિકાને અપીલ કરી હતી કે રશિયાને પ્રતિબંધોમાં રાહત અથવા સમજૂતીઓના બદલામાં કોઈ સકારાત્મક પગલાં લેતા ન હોવાનું ધ્યાનમાં લેવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે શાંતિની શક્યતા ઊભી કરવા માટે રશિયા પર દબાણ વધારવું જરૂરી છે. જોકે, આ તમામ આંકડા અને આરોપો યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Donald Trump: ઈરાન પર પરમાણુ હુમલો નહીં કરે અમેરિકા? ટ્રમ્પે જમીની સૈન્ય મોકલવાનો પણ કર્યો ઇનકાર





